Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

નકલી પોલીસ બની રાપરના યુવાનનું અપહરણ કરનાર જામખંભાળીયાના એક્‍સ આર્મીમેન સહિત ચાર યુવાનો ઝડપાયા

પૂર્વ કચ્‍છ પોલીસે રંગે હાથ ઝડપી પાડયા : બિયર લીધા બાદ બુટલેગરનો પત્તો મેળવી તોડ કરવાનું પ્‍લાનિંગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૫ : રાપરના મમાયમોરા મંદિરે દર્શન કરવા આવેલાં જામખંભાળીયાના ચાર શખ્‍સોને માંજુવાસના ૨૨ વર્ષિય યુવાન બબાભાઈ ડાંગરનું સ્‍વિફટ કારમાં અપહરણ કરી લૂંટ કરવાનો પ્રયાસ ભારે પડી ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી લઈ ચારે નશેબાજ ચોકડીની ધરપકડ કરી લીધી છે.

ગઈકાલે સાંજે આ બનાવ બન્‍યો હતો. મમાયમોરા ગામે માતાજીના દર્શન કરી સ્‍વિફટ કારમાં પરત જતાં જામ ખંભાળિયાના ચાર યુવકોને શ્નપીવાઙ્ખની તલબ ઉપડી હતી. માંજુવાસ પાસે કાર થોભાવી તેઓ બાટલીનું સેટીંગ કરવા પૂછતાછ કરતાં હતા ત્‍યારે ફરિયાદી તેમને મળી ગયો હતો.

ગામમાં ક્‍યાં ‘માલ' વેચાય છે તે અંગે જાણતાં ફરિયાદીએ તેમને બિયર મેળવવામાં મદદ કરી હતી. ફરિયાદીએ તેમને બિયર લાવીને આપવામાં મદદ કર્યાં બાદ ચારે જણે પોતે પોલીસ કર્મચારી હોવાનું જણાવી તેને કારમાં બળજબરીપૂર્વક બેસાડી દીધો હતો.

પોતાનું અપહરણ થતું હોવાનું પામી ગયેલાં ફરિયાદીએ ચાલતી કારે રાડારાડ કરવા માંડી હતી. તેની રાડારાડ માંજુવાસનો જ એક બાઈકચાલક સાંભળી ગયો હતો. તેણે રાપર પોલીસને આ અંગે જાણ કરી હતી. જેથી રાપર પીઆઈ વી.કે. ગઢવીએ તાબડતોબ આસપાસના આડેસર અને બાલાસર પોલીસ મથકે જાણ કરી હતી.

આડેસર પોલીસની એક ટૂકડી રોડ પર જ પેટ્રોલીંગમાં તૈનાત હતી. આ ટૂકડીએ કારને અટકાવવા પ્રયાસ કરતાં આરોપીઓએ કારને થોભાવી નહોતી. જેથી પોલીસે પીછો કર્યો હતો.

દરમિયાન, પોલીસ પોતાની વહારે આવતી હોવાનું જાણીને ફરિયાદી બબાભાઈ ડાંગર બમ્‍પ પાસે કાર ધીમી પડતાં ચાલું કારે બહાર કૂદી પડ્‍યો હતો. આરોપીઓએ ચાલતી કારે તેણે પહેરેલું સોનાનું કડું અને ચેઈન લૂંટવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, ઝપાઝપી થઈ હતી. જો કે, તેમણે બબાના ખિસ્‍સામાં રહેલાં ત્રણ હજાર રૂપિયા પડાવી લીધાં હતા.

આડેસર પોલીસે ફિલ્‍મી ઢબે પીછો કરી ચારે આરોપીને કાર સાથે તેમજ લૂંટેલાં નાણાં સાથે ઝડપી લીધાં હતા. ચારે વિરુધ્‍ધ રાપર પોલીસ મથકે અપહરણ અને લૂંટની કલમો તળે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ઝડપેલાં આરોપીઓમાં કુલદિપસિંહ કિરીટસિંહ જાડેજા (રહે. કાઠી દેવરીયા, જામ ખંભાળિયા), જયપાલસિંહ પ્રવિણસિંહ પરમાર (રહે. તમાસણ, જામ ખંભાળિયા), જયપાલસિંહ ગોવુભા જાડેજા (રહે. જામ ખંભાળિયા) અને રાજેન્‍દ્રસિંહ મનુભા જાડેજા (રહે. જામ ખંભાળિયા)નો સમાવેશ થાય છે. આરોપી રાજેન્‍દ્રસિંહ એક્‍સ આર્મીમેન હોવાનું બહાર આવ્‍યું છે.

(1:14 pm IST)