Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

જસદણમાં વીજતંત્રની કામગીરી પહેલા વરસાદે જ ધોવાઇઃ વારંવાર લાઇટ ગુલ

વીજ પ્રશ્નોનું તાત્‍કાલિક નિવારણ કરવા પ્રજાની માંગ

(હુસામુદ્દીન કપાસી) જસદણઃ તા. ૧૫ : શહેરમાં છેલ્લા અઠવાડિયાથી વીજ તંત્ર દ્વારા દિવસ-રાત જોયા વગર લાઇટ ગુલ કરાતા નાગરીકો હેરાન થઇ રહ્યા છે. ઉપરાંત વીજ તંત્ર દ્વારા વારંવાર વીજકાપ મૂકાઇ રહ્યો છે.

વીજળી જતાં નાગરિકો દ્વારા ફોન કરાતા ફોન વ્‍યસ્‍ત દેખાડાય છે અથવા ઉપાડતા  જ નથી.  વીજતંત્રએ પ્રીમોન્‍સુન કામગીરીના ભાગરૂપે વીજકાપ પણ આપ્‍યો હતો. પરંતુ પહેલા વરસાદમાં જ કામગીરી ધોવાઇ ગઇ છે. છેલ્લા ૩-૪ દિવસમાં શહેરના મોટા ભાગના વિસ્‍તારોમાં વીજ પુરવઠો બંધ થઇ જતા અબાલ, વૃધ્‍ધ, દર્દીઓ સહીતના  દરેકને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાતાવરણમાં ગરમી અને બફારો હોવાથી વેપારીઓનો માલ બગડી જતાં વીજતંત્ર સામે રોષે ભરાયા છે. જેથી તંત્રના અધિકારીઓ વીજચોરી અટકાવી  વીજ પુરવઠો  વ્‍યવસ્‍થિત રીતે પ્રજાને ફાળવે તેવી માંગ સામાજિક કાર્યકર હરિભાઇ વેલજીભાઇ હીરપરા  દ્વારા કરવામા આવી છે.

(1:32 pm IST)