Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

કથિત અનૈતિક સંબંધ પ્રકરણમાં ભોગાતના યુવાન પર હુમલો

જામનગરના શખ્‍સે આવીને મારી નાખવાની ધમકી આપી

જામ ખંભાળિયા,તા.૧૫: ભોગાત ગામે રહેતા કરસનભાઈ મેરામણભાઈ માડમ નામના ચાલીસ વર્ષીય યુવાન દ્વારા મૂળ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામના અને હાલ જામનગરના વિજયનગર ખાતે રહેતા કાનાભાઈ ચાવડા તથા પ્રવીણભાઈ ફરિયાદ નોંધાવી છે.

વિગત મુજબ મૂળ દાત્રાણા ગામ કાનાભાઈ ચાવડા કે જેઓ હાલ જામનગરમાં વિજયનગર ખાતે રહે છે, તેને ફરિયાદી કરસનભાઈ માડમના જામનગર ખાતે રહેતા એક સંબંધીની પત્‍ની સાથે કથિત આડાસંબંધ હોવાથી આ અંગેની જાણ ફરિયાદી કરસનભાઈ દ્વારા પરિણીતાના પતિને કરવામાં આવી હતી. આ બાબતે કરસનભાઈને અવારનવાર કાનાભાઈ સાથે બોલાચાલી થતી હતી.

આ દરમિયાન કાનાભાઈએ કરસનભાઈને ફોન કરી અને તે ભોગાત ગામના હાઈ-વે રોડ ઉપર આવ્‍યો હોવાનું જણાવીને કરસનભાઈને આ સ્‍થળે બોલાવતા ફરિયાદી કરસનભાઈ આ ગામના કરણભાઈ ગઢવીની કેબીન પાસે પહોંચ્‍યા હતા. જયાં અગાઉથી ફોર વ્‍હીલર કારમાં આવીને ઉભેલા કાનાભાઈ તથા તેની સાથે આવેલા પ્રવીણભાઈ આહીર દ્વારા (કથિત) આડા સબંધ બાબતે બોલાચાલી કરી, ફરિયાદી કરસનભાઈને ગાળો કાઢી, પાઇપ વડે માર મારતા તેમને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં  જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જયાં તેઓને હાથ તથા પગમાં ફેક્‍ચર સહિતની ઈજાઓની સારવાર આપવામાં આવી હતી.

આમ, કથિત આડા સંબંધ બાબતે બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ કરસનભાઈ મેરામણભાઈ માડમની ફરિયાદ પરથી કલ્‍યાણપુર પોલીસે મૂળ દાત્રાણા ગામના અને હાલ જામનગર ખાતે રહેતા કાના ચાવડા તથા પ્રવીણ આહીર નામની વ્‍યક્‍તિ સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એકટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્‍યાણપુરના પી.એસ.આઈ. સી,એચ. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે. 

(1:02 pm IST)