Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

વાંકાનેર પાલિકાના વહિવટ અને નાણાકીય પરિસ્‍થિતિ મુદ્દે રાજય સરકાર દ્વારા નોટીસ

રસ્‍તા, ગટર, પાણી, સ્‍ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્નો અણઉકેલ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાને, તા. ૧પ : વાંકાનેર પાલીકા (જી. મોરબી)ને વહીવટી અને નાણાકીય પરિસ્‍થિીત અંગે ગુજરાત રાજયપાલશ્રી ના હુકમથી અને તેના નામે નાયબ સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ઉપરોકત  બાબતે આગામી તા. ર૮-૬-રર મંગળવાર સુધીમાં નગરપાલીકાની સામાન્‍ય સભા બોલાવી ઠરાવ સ્‍વરૂપે લેખિત ખુલાસો કરવા ગુજરાત સરકારે નોટીસ આપી છે.

પાલીકા પ્રમુખ/ ઉપપ્રમુખને ઉદ્દેશીને પાઠવાયેલ છ પેજની નોટીસમાં વાંકાનેર ન.પા., ગુજરાત ન.પા. અધિનિયમ-૧૯૬૩ અન્‍વયે ફરજો બજાવવામાં નિષ્‍ફળ રહેલ હોઇ, વાંકાનેર પાલીકાએ આ કારણદર્શક નોટીસ જનરલ બોર્ડ સમક્ષ રજુ કરી નિયત કરેલ વ્‍યવસ્‍થા કરવા જણાવાયું છે. અન્‍યથા આગળની કાર્યવાહી કરવાની ચીમકી પણ અપાઇ છે.

કારણદર્શક નોટીસમાં જણાવ્‍યું છે કે વાંકાનેર પાલીકાને નિહિત કરવામાં આવેલ ફરજો નિભાવવામાં નિષ્‍ફળ થઇ હોય તેમ જણાય છે. જેથી વાંકાનેર ન.પા. સદરહું અધિનિયમથી જે જવાબદારી સોંપવામાં આવેલ છે તે જવાબદારીઓ નિભાવી શકે તેમ ન હોઇ, ચૂંટાયેલી પાંચ સામાન્‍ય, સંજોગોમાં પોતાની પ્રાથમિક ફરજો, બજાવવામાં અસમર્થ છે. વધુમાં જણાવાયેલ છે કે નાણાંકીય વહીવટ તેમજ ચલણો જમા કરાવવા બાબતે જમા થયેલ નથી. રોજમળેલ પણ નોંધી શકાયો નથી.

આ નાણાકીય અનિયમિતતાને કારણે ભવિષ્‍યમાં ઓડીટ પેરા પણ ઉભા થશે. તથા આ હુકમથી ન.પા. અમુક શેષ અને ફી જેવી કે શિક્ષણ ઉપકર, જન્‍મ મરણ ફી, લગ્ન નોંધણી ફી સરકારશ્રી વતી વસુલતી હોય ને તે પણ સરકારશ્રીમાં જમા કરાવી શકાતી નથી. ઉપરાંત અન્‍ય બાબતો પૈકી જી.એમ. એફ.બી.ના હુકમની ઉપરવટ જઇ વિભાગીય રીતે કામગીરી કરવા રજુઆતો કરવામાં આવે છે. પ્રમુખશ્રી દ્વારા ડે. એકાઉન્‍ટન્‍ટ પર મનસ્‍વી વર્તન, એક કર્મચારીને સસ્‍પેન્‍ડ કરાયેલ જો કે આ હુકમો પ્રમુખ દ્વારા નહીં પણ ચીફ ઓફિસરે કરવાના હોય છે.

અન્‍ય વિગત મુજબ કચેરી સ્‍ટાફ, ન.પા.ના કર્મચારીઓ જયારે કચેરીમાં આવે તે સમયે હાજરી પુરવા જાય છે. જો તે સમયે કર્મચારીઓ ફિલ્‍ડ વીઝીટ માટે ગયેલ હોય તો પ્રમુખની હાજરીમાં સહી કરવાની રહી જાય છે. હાજરી પત્રક પ્રમુખશ્રી પોતાની ચેમ્‍બરમાં રાખી મનસ્‍વી વર્તન કરે છે. વાંકોનર પાલીકાને વિકાસના કામો અર્થે ર૦૧૩ થી ર૦રર સુધીમાં લગભગ રૂા. પ૩,૯ર,૦૪,૮૯૪ ફાળવવામાં આવેલ છે. જે અન્‍વયે માત્ર રૂા. ૧૦,૩ર,૪૬,૯પ૧ નો ખર્ચ થયેલ છે. જયારે રૂા. ૪૩પ૯પ૭૯૪૩ વણવપરાયેલ રકમ પાલીકા પાસે લાંબા સમયથી પડતર રહેલ છે. જેથી વાંકાનેર શહેરીજનોની મુળભુત જરૂરીયાતો જેવી કે રસ્‍તા, ગટર પાણી સ્‍ટ્રીટ લાઇટ વગેરેના વિકાસથી વંચિત રહેલા છે.

આ કારણદર્શક નોટીસના અંત ભાગે જણાવાયેલ છે કે પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા સતા બહારના હુકમોને ત્‍યારબાદ આગામી સામાન્‍ય સભામાં બહાલી આપવામાં આવે છે. અને એ રીતે સમગ્ર ચૂંટાયેલી પાંચ પ્રમુખશ્રીના ગેરકાયદેસરના હુકમોમાં સહભાગી પણ બનેલ છે. જે તમામ બાબતોમાં તમામ સભ્‍યોને અંધારામાં રાખી આવા હુકમો ગેરકાયદે છે તેવું લોકમુખે ચર્ચાય છે. વાંકાનેર નગરપાલીકાના તમામ ર૭ સભ્‍યોને આ નોટીસ પાઠવતા વાંકાનેર શહેરમાં અનેક ચર્ચાઓ જાગી છે.

(1:07 pm IST)