Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

લમ્પી રોગ સામે કચ્છનું તંત્ર સજજ: કુલ ૨૮૬૨ ગાયની સારવાર અને ૨૫૬૫૦નું રસીકરણ,૧.૫૦ લાખ ડોઝ ગોટપોક્ષ વેક્સીનની ખરીદી

લમ્પીથી મનુષ્યમાં કોઈ રોગ ફેલાતો નથી, અસરગ્રસ્ત પશુઓને અલગ રાખવા , ધણમાં ન મોકલવા તથા ઘરે છાયડામાં બાંધી રાખવા અનુરોધ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫

 કચ્છ જિલ્લામાં ગાયોમાં હાલ જોવા મળી રહેલા લમ્પી સ્કીન ડિસીઝ રોગને નિયંત્રણમાં લાવવા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે દૈનિક ધોરણે કેમ્પોનું આયોજન કરવા ઉપરાંત રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રોગને ફેલાતો અટકાવવા અને  નિયંત્રણ મેળવવા અને પશુપાલકોને નુકસાનથી બચાવવા માટે જિલ્લા પંચાયતે સ્વભંડોળમાંથી રૂ. ૧૦ લાખનાં ખર્ચે કુલ ૧.૫૦ લાખ ગોટપોક્ષ વેક્સીન ડોઝની ખરીદી માટે ખાસ મંજુરી આપી છે.  

કચ્છ જિલ્લામાં સર્વપ્રથમ આ રોગનાં લક્ષણો લખપત તાલુકાનાં કૈયારી ગામની ગાયોમાં જોવા મળતાં લોહીનાં નમુના લઇ ભોપાલ ખાતે આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હાઇ સિક્યુરિટી એનીમલ ડિસીઝીસ ખાતે વધુ પરિક્ષણ અર્થે  મોકલવામાં આવેલા હતા. જ્યાં રીઅલ ટાઇમ પી.સી.આર. પદ્ધતિથી તપાસ કરતાં આ નમુનાઓ લમ્પી સ્કીન ડિસીઝ માટે પોઝીટીવ જણાયા હતા. કચ્છ જિલ્લામાં આ રોગની સારવાર તેમજ નિયંત્રણ માટે તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સા અધિકારીનાં નેજા હેઠળ ટીમો બનાવી અત્યાર સુધી કુલ ૨૮૬૨ ગાયોની સારવાર અને  ૨૫૬૫૦નું રસીકરણ કરાયું છે. દૈનિક ધોરણે ગ્રામ્ય કક્ષાએ આ ટીમો દ્વારા મુલાકાત લઇ કેમ્પ સ્વરૂપે સારવાર, રસીકરણ અને પશુપાલકોને માર્ગદર્શનની કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે સ્થાનિક ગ્રામ પંચાયતો, આગેવાનો, સંસ્થાઓ અને વિવિધ હોદ્દેદારોનો પણ પુરેપુરો  સહયોગ મળી રહ્યો છે.  

 

લમ્પી સ્કીન ડીસીઝ (LSD) દેશમાં છેલ્લા ૨-૩ વર્ષથી ઓરિસ્સા, બંગાળ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં છુટાછવાયા કેસ તરીકે જોવા મળી રહ્યો છે. લમ્પી રોગનાં વાઇરસ પશુઓના સીધા સંપર્કથી તેમજ માખી, મચ્છર તથા પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડી જેવા પરોપજીવીઓથી ફેલાય છે. જ્યારે  માખી કે મચ્છર રોગગ્રસ્ત પશુને કરડી ત્યારબાદ તંદુરસ્ત પશુને કરડે તો વિષાણુઓ એ જાનવરનાં શરીરમાં પ્રવેશી રોગ પેદા કરે છે. વધુમાં પશુનાં મોઢા કે નાકમાંથી નીકળતા પ્રવાહી મારફતે ઘાસચારો કે પાણીના અવાડા દુષિત થવાથી પણ આ રોગ ફેલાય છે. લમ્પી  રોગ સામાન્ય રીતે ઉનાળાનાં પાછલા દિવસોમાં કે ચોમાસા દરમ્યાન વધુ જોવા મળે છે. આ રોગ મુખ્યત્વે ગાયોમાં જોવા મળી રહ્યો છે. નાના બચ્ચાં, તાજી વિયાયેલ કે વિયાવાની તૈયારી વાળી ગાયોમાં આ રોગ વધારે તીવ્રતામાં જોવા મળે છે. 

રોગના વાઈરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે. જેમાં પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે. આંખોમાંથી આંસુ તેમજ મોઢામાંથી લાળ પડે છે. ત્યારબાદ પશુની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, અમુક પશુઓને છાતી તેમજ પગે સોજા આવે છે. પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, પશુને આરામ આપવામાં આવે તો રોગીષ્ટ પશુ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ ને લીધે આપોઆપ ૨ થી ૩ અઠવાડિયામાં સાજુ થઇ જાય છે.  રોગચાળાનો સંક્રમણ દર ૨૦ થી ૩૦ ટકા જેટલો જ્યારે મૃત્યુ દર ખુબજ ઓછો ૧ થી ૨ ટકા છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી. 

રોગચાળાને અટકાવવા અને કાબુમાં લેવાના પગલા રૂપે પશુપાલકોએ બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. ગામનાં પશુઓને ચરવા માટે ન મોકલતાં ઘરે જ બાંધી રાખવા જોઇએ. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી તેમજ યોગ્ય દવાઓનાં ઉપયોગથી માખી, મચ્છર અને ઇતરડી નો ઉપદ્રવ અટકાવવો. રોગગ્રસ્ત વિસ્તારમાંથી કોઇ પણ પશુ ગામમાં આવવા દેવું નહી. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું. રોગીષ્ટ પશુને લીમડાનાં પાંદડા નાખી ઉકાળી ત્યારબાદ ઠંડા કરેલ પાણીનું પોતુ કરવાથી ચામડીની તકલીફમાં રાહત થાય છે. આ માટે પોટેશિઅમ પરમેંગેનેટ (પીપી) ના આછા ગુલાબી દ્રાવણનો પણ ઉપયોગ કરી શકાય. બીમાર પશુને તાવ આવતો હોઇ તેને ચરિયાણ માટે સીમમાં મોકલવાથી પશુની તકલીફ વધતી જાય છે, જેથી અસરગ્રસ્ત પશુને ધણમાં ન મોકલતાં ઘરે છાયડાંમાં બાંધી રાખી આરામ આપવો જોઇએ. છાતી કે પગે સોજા આવેલા હોય તો હલનચલનથી સોજા ઉતરી જશે અને પશુને સારૂ થઇ જશે એમ માનીને પશુને ધણમાં મોકલવાથી પશુની તકલીફ વધે છે. તાવ ઉતારવા માટે જો પશુને વારંવાર પાણીથી નવડાવવામાં આવે તો પશુને શ્વસન તંત્રની તકલીફ વધે છે.  

  જિલ્લામાં જ્યાં સુધી રોગ સંપૂર્ણ કાબુમાં નહીં આવે ત્યાં સુધી સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રહેશે. તમામ પશુપાલકો અને જાગૃત નાગરિકોને તંત્ર દ્વારા આ રોગની સારવાર માટે નજીકના પશુ દવાખાના કે ફરતા પશુ દવાખાના કે જેનો સમગ્ર રાજ્ય માટે ૧૯૬૨ હેલ્પ લાઈન નંબર છે તેનો સંપર્ક કરવો.  જે ગામમાં ૧૯૬૨ મોબાઇલ સેવા ઉપલબ્ધ છે તે ગામના પશુપાલકોએ આ નંબર ઉપર સંપર્ક કરવાથી સારવાની સેવા મળી શકશે. તથા રસીકરણ માટે તાલુકાના મુખ્ય પશુ દવાખાનાનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતની યાદીમાં અપીલ કરાઇ છે.

(2:23 pm IST)