Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ચોમાસુ વેકેશન દરમિયાન ગીરના વન્‍યજીવો-વૃક્ષોને થયેલુ નુકશાન ભરપાઇ થાય છે

વનરાજને વેકેશન

ઢગલે ધિંગાણા... સાસણ ગીરની શાન સમા એશિયાટીક લાયન-સિંહોનો એક પરિવાર માટીના ટીલા ઉપર આરામ ફરમાવતો નજરે પડે છે પણ કયારે ધિંગાણે ચડે તે કહેવાય નહિ. (ફોટોઃ પ્રિતિ ભુષણ પંડયા)

આપણે બધા આતુરતા પૂર્વક વરસાદની રાહ જોતા હોઈએ છીએ, તે જ રીતે કદાચ ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને અભયારણ્‍ય માં વસતા  સિંહો, દિપડા તથા અનેક વન્‍ય જીવો પણ ચોમાસાની રાહ જોતા હશે!

દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૧૬ જુનથી ૧૫ ઓક્‍ટોબર સુધી ગીરનું જંગલ પ્રવાસીઓ માટે બંધ રહેશે. સ્‍વાભાવિક છે કે પ્રવાસીઓ ઉપર નિર્ભર રહેતા હોટેલ, રિસોર્ટ, સ્‍થાનિક જીપ્‍સી  માલિકો, ડ્રાઇવર, ગાઈડ, વિગેરેની આવકો  પર અસર થાય. આ બધા મિત્રો સાથે મારી હૃદય પૂર્વક ની સહાનુભૂતિ છે, પરંતુ ચોમાસામાં જંગલ બંધ રાખવું અત્‍યંત આવશ્‍યક છે, કારણકે આ સમય દરમ્‍યાન આપણા સાવજ દિપડા,  તળણાહારી પ્રાણીઓ તથા અનેક પક્ષીઓનો પ્રજનનકાળ હોય છે. જંગલ અનેક વન્‍યજીવોનું કુદરતી રહેઠાણ છે. આપણે સૌ તેમના ઘરમાં રહેમાન છીએ. સારા મહેમાનો ની ફરજ છે કે યજમાનને તકલીફ ન પડે તેનું ધ્‍યાન રાખવું જોઈએ. પ્રતિદિન ૧૫૦ જીપ્‍સી વાહનો ને જંગલ સફારીની પરમિટ આપવાની વ્‍યવસ્‍થા છે. વર્ષ ના  આઠ મહિના દરમિયાન લગભગ ૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦ વાહનો દ્વારા અવાજ, વાયુ, ધૂળ  વિગેરે પ્રદૂષણથી  વન્‍ય જીવો તથા ઝાડ-પાન પર ઘણી પ્રતિકૂળ અસર થાય છે. આપણને ખ્‍યાલ છે કે વળક્ષો તેના પાંદડા દ્વારા અંગારવાયુ લઈને આપણને પ્રાણવાયુ આપે છે. એક રીતે જોઈએ તો પાંદડા દ્વારા જ તેઓ શ્વાસ લે છે. ધૂળના થર જામી જવાથી શું તેમને ગૂંગળામણ નહીં થતી હોય? વન્‍યજીવન જીવો બોલી શકતા નથી, પરંતુ આપણને તો સમજ છે ને? જંગલ ઉપર નિર્ભર લોકો એ પણ સમજે છે કે તેમની રોજીરોટી સિંહો અને જંગલ પર છે. જો જંગલ જ નહીં બચે તો તેમની આજીવિકા પણ કાયમ માટે છીનવાઈ જશે. આ ઉપરાંત એ પણ ધ્‍યાનમાં લેવું જોઈએ કે વરસાદને લીધે જંગલ ના રસ્‍તાઓ ધોવાઈ જાય છે અને ગાડી ચાલી  શકે તેવા રહેતા નથી.

 ચોમાસાના વેકેશન ને લીધે વર્ષ દરમિયાન વન્‍યજીવ તથા વળક્ષોને થયેલ નુકસાન થી આરામ અને નવું જીવન મળે છે. તેથી વનવિભાગ દ્વારા કરેલા નિયમોનું  આપણે સન્‍માન  કરીએ. ચોમાસા દરમિયાન ગીર ઇન્‍ટરપ્રિટેશન ઝોન દેવળિયા અને આંબરડી ખુલ્લા રહે છે. તેમાં અનેક મુલાકાતીઓ સિંહદર્શન કરે છે. એવા લોકો પણ છે, જે રિસોર્ટમાં માત્ર આરામ કરવા માટે આવે છે. અભયારણ્‍ય ની બહાર ના અમુક વિસ્‍તારો સુંદર છે અને તેમાં મોન્‍સૂન સફારીનું આયોજન થાય છે. સ્‍થાનિક લોકો તથા હોટેલ, રિસોર્ટ, વિગેરેને ચોમાસા દરમ્‍યાન પણ આ લાભો મળતા રહે છે. જંગલ એ નદીની માતા છે. ગીરમાંથી સાત નદીઓ પસાર થાય છે અને ચાર ડેમ છે. આશા રાખીએ કે આ વર્ષે સારો વરસાદ થાય તથા જંગલ વિસ્‍તાર તેમજ આજુબાજુના ગામોને ખેતી તેમજ પીવા માટે પૂરતું પાણી મળી રહે.

ભૂષણ પંડ્‍યા

૯૪૨૮૨૦૩૧૧૭

(2:44 pm IST)