Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાની વાડીમાં દિપકસિંહ જાડેજા જુગારની કલબ ચલાવતો'તોઃ ૧૮ પકડાયાઃ બન્ને વિરૂદ્ધ ગુન્હો નોંધાયો

મસમોટી જુગારની કલબ ચાલતી હોવાની બાતમીબાદ રૂરલ એસ.પી. બલરામ મીણા ખુદ એલસીબી અને એસઓજીના કાફલા સાથે ત્રાટકતા સન્નાટોઃ ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આકરા પાણીએ? : રાજકોટના પ સહિત જેતપુર, જુનાગઢ, જામનગર, જામકંડોરણા, જામખંભાળિયા તથા બેરાજા ગામના૧૮ જુગારીયાઓ ૮.૧૩ લાખની રોકડ સહિત ર૪.૩૯ લાખના મુદામાલ સાથે પકડાયા

રાજકોટ તા.૧પ : ગોંડલ તાલુકાના રીબડા ગામની સીમમાં મસમોટી જુગારની કલબ ધમધમતી હોવાની બાતમી બાદ ખુદ રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ એલસીબી તથા એસઓજીના કાફલા સાથે ગત રાત્રે ત્રાટકી નામચીન બુકી સહિત ૧૮ જુગારીયાઓને ઝડપી લીધા હતા. વાડી માલીક અનિરૂદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા રે.રીબડા સહિત ૧૯ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના રીબડા ગામની સીમમાં અનિરૂદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા રે. રીબડાથી રીબ જવાના રસ્તે આવેલ વાડીમાં રઘુવીરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા રે ખરેડી જુગારની કલબ ચલાવતો હોવાની બાતમી મળતા ખુદ રૂરલ એસ.પી. બલરામ મીણા રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.એન.રાણા, પી.એસ.આઇ. ગોહિલ તથા પી.એસ.આઇ. હિંગરાજીયા સહિતનો સ્ટાફ ગતરાત્રે ત્રાટકયો હતો અને વાડીમાં જુગાર રમતા ૧૮ શખ્સોને રોકડા રૂ.૮.૧૩ લાખ, ર૩ મોબાઇલ તથા એક ફોર વ્હીલ મળી કુલ રૂ.ર૪.૩૯ લાખના મુદામાલ સાથે ઝડપી લઇ ગોંડલ તાલુકા પોલીસ મથકને હવાલે કર્યા હતા.

એવી પણ ચર્ચા છે રાજયના ગૃહરાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આવી કોઇ પ્રવૃતિ ચલાવી નહિ લેવા અને કોઇ શેહશરમ નહિ રાખવા આદેશ આપ્યાના પગલે  પોલીસ તંત્રે આકરા પગલા શરૂ કર્યા છે.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં (૧) રઘુવીરસિંહ ઉર્ફે  દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા રે. ખરેડી (ર) હાર્દિકભાઇ સુરેશભાઇ રૈયાણી રહે. રાજકોટ (૩) બાલમુકુંદ સવજીભાઇ આંબલીયા રે. જેતપુર, (૪) જલ્પેશ કિર્તીભાઇ પંડયા રહે. જામનગર (પ) નિરૂભા મેરૂભા જાડેજા રહે. ખંઢેરા, (૬) ધનશ્યામસિંહ દિલુભા જાડેજા રે. જામકંડોરણા (૭) રામભાઇ નારણભાઇ લાવડીયા રે. રાજકોટ  (૮) રવિન્દ્ર એભલભાઇ મોયા રહે. જેતપુર (૯) અંકિત દિનેશભાઇ ભાણવડીયા રહે. રાજકોટ (૧૦) દિપક મગનભાઇ વસાણી રહે. રાજકોટ (૧૧) ગોવિંદ મેરામભાઇ ચાવડા રહે. બેરાજા (૧ર) કિશન ધનસુખભાઇ કાપડી રહે. બેરાજા, (૧૩) કાનાભાઇ નારણભાઇ કાબરીયા રહે. જામખંભાળીયા (૧૪) રમેશ મોહનભાઇ મુંગરા રહે.જામનગર, (૧પ) ઇલ્યાસ રજાકભાઇ બેલીમ રહે. જેતપુર (૧૬) ધર્મેશ ભૂપતભાઇ મકવાણા રહે. રીબડા (૧૭) કિશોર જયંતીભાઇ વાછાણી રહે. જુનાગઢ તથા (૧૮) અતુલ જેરામભાઇ હાપલીયા રહે. રાજકોટનો સમાવેશ થાય છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાની વાડીમાં રઘુવીરસિંહ ઉર્ફે દિપકસિંહ બહારથી જુગારીયાઓને બોલાવી જુગારના સાધનો પુરા પાડી જુગાર રમાડતો હતો. રેઇડ દરમિયાન અનિરૂધ્ધસિંહ જાડેજા મળી આવ્યા ન હતા.

પકડાયેલ ૧૮ જુગારીઓતથા વાડી માલીક અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા રે. રીબડા સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરાયો હતો.

રીબડાની સીમમાં રૂરલ એસ.પી. બલરામ મીણાએ ખુદ દરોડો પાડતા જુગારી આલમ તથા પોલીસ બેડામાં સન્નાટો પ્રસરી ગયો છે આ અંગે અનેક વિધ ચર્ચાઓ થઇ રહી છે.

(1:00 pm IST)