Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

ભાવનગરના મહુવા ખાતે ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ધ્વજવંદન કરી સલામી ઝીલી વિશ્વ વંદનીય સંત મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતિ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :ભાવનગરના  મહુવા ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથેની ઉજવણી પારેખ કોલેજના ગ્રાઉન્ડ ખાતે  કરવામાં આવી હતી. 
ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ધ્વજવંદન કરી, સલામી ઝીલી, પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પણ જોડાયાં હતાં. 
આ અવસરે વિશ્વ વંદનીય સંત મોરારીબાપુ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં તેમણે જણાવ્યું કે, સમાજના તમામ વર્ગોને સાથે લઈને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાની ઉજળી પરંપરા ભારતે વિકસિત કરી છે. છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહેલી 'તિરંગા યાત્રા' પણ તેમની એક છે.
મંત્રીએ જણાવ્યું કે, આપણે સમગ્ર વર્ષ 'આઝાદી અમૃત મહોત્સવ'ની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરી છે. છેલ્લાં ત્રણ દિવસથી આપણે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલાં આહવાનને પગલે આપણાં ઘર, કચેરી, વ્યવસાયિક પ્રતિષ્ઠાનો, ઔદ્યોગિક ગૃહો આ દરેકે - દરેક જગ્યાએ તિરંગો લહેરાવીને માં ભારતીનું ગૌરવ  ગાન કર્યું છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક ઝાટકે પોતાનું રાજ્ય સૌથી પહેલાં રાષ્ટ્રને ચરણે ધરી દીધું હતું. સરદાર વલ્લભભાઇ પટેલે ૫૬૨ રજવાડાઓ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તો ગાંધીજીએ આખી આઝાદીની લડતનું નેતૃત્વ લીધું હતું. આવાં વીર સપૂતો થકી જ રાષ્ટ્ર એકતાના તાંતણે બંધાયું છે. ત્યારે આવાં મહાનુભાવોના સત્કર્મોને યાદ કરી હું તેમને નતમસ્તક વંદન કરું છું.
તેમણે કહ્યું કે, એક ભારત - શ્રેષ્ઠ ભારતના મહામંત્રને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્રના વિકાસની ગતિને બમણાં વેગથી આગળ ધપાવી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીએ એક જ ઝાટકે કલમ ૩૭૦ અને ૩૫- એ ની નાબૂદીના હિંમતભર્યા પગલાને કારણે આજે સાચા અર્થમાં એક અને અખંડ ભારતનુ સ્વપ્ન મૂર્તિમંત થઈ શક્યું છે.
કોરોના મહામારીમાં વડાપ્રધાનના દૂરંદેશી પગલાઓની નોંધ સમગ્ર વિશ્વએ લીઘી છે. લોકડાઉન બાદ રાષ્ટ્રના વિકાસને પુન: વેગવાન બનાવવાં જાહેર કરેલા રૂ.૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજ થકી દેશવાસીઓમા પુન: ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયો છે. કોરોના ની મહામારીમાંથી બહાર આવીને સમગ્ર દેશ હવે વિકાસના પાટા પર પૂરપાટ ઝડપે દોડી રહ્યો છે.
ગુજરાત સરકારે પણ તાજેતરમાં વંદે ગુજરાત યાત્રા અને નવ દિવસ સુધી નારી ગૌરવ ગાન કરીને અવિરત જનસેવા, વિકાસની આરાધનાનું અનુષ્ઠાન કર્યું હતું.
મંત્રીએ એર એમ્બ્યુલન્સ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગુજરાત માટે આશીર્વાદરૂપ બની છે.કોરોનામાં વ્યાપક રસીકરણ કરીને કોઈપણ ભૂખ્યો ન સુએ તેની સરકારે ચિંતા કરી હતી. દર શુક્રવારે બિન ચેપી રોગોનો નવતર અભિગમ અપનાવી ત્રણ કરોડ લોકોને આ યોજના હેઠળ આવરી લીધાં છે.
ખેતરે- ખેતરે હરિયાળી લહેરાઈ તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી તેમને કહ્યું કે, રાજ્ય સરકારના દૂરદર્શી અભિગમને કારણે છેલ્લાં બે દાયકાથી ગુજરાતનો કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં રહ્યો છે. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ઉપર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટે તે દિશાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ડ્રોનના ઉપયોગથી દવા છાંટીને કૃષિ ઉત્પાદન વધે તે માટે તાજેતરમાં ડ્રોન પોલિસી પણ અમલમાં મૂકવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, ગામમાં પણ પાકા રસ્તા, શૌચાલયની સુવિધા, ૨૪ કલાક વીજળી આપીને શહેરો જેવાં બનાવ્યાં છે. રાજ્યમાં સ્માર્ટ સિટી વિકસિત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
લોકોને ઘર આંગણે સેવા પૂરી પાડવા માટે સેવા સેતુના ઉપક્રમથી બે કરોડ લોકોને ઘર આંગણે સેવા પૂરી પાડી છે. સ્વ- સહાય જૂથોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાની પહેલ ગુજરાતી કરી છે. ગુજરાતે મોટા પ્રમાણમાં વિદેશી મૂડી રોકાણ મેળવ્યું છે. પ્લાસ્ટિક ઉદ્યોગમાં રૂ.૪,૩૮૧ કરોડનું રોકાણ થયું છે.
વન અધિનિયમ હેઠળ જમીન અને વન સંપ્રદાયના અધિકાર આદિવાસીઓને આપ્યાં છે અને તે રીતે છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે‌. મહેસૂલી સેવા ઝડપી અને અસરકારક બનાવવામાં આવી છે. લેન્ડગ્રેબિંગનો કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે.
ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ઈ- એફ.આર.આઇ., સી.સી.ટી.વી., વિશ્વાસ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યાં છે. 
સિંચાઈ ક્ષેત્રે ગુજરાતે પાણીદાર કાર્ય કરી બતાવ્યું છે.કચ્છમાં નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફૂટ પાણી પહોંચાડી કચ્છની ધરાને નવપલ્લવિત કરી છે તેમ તેમને વધુમાં ઉમેર્યું હતું.
ક્લીન ઉર્જા વપરાશ  વધારવાના હેતુથી સમગ્ર દેશમાં સૌ પ્રથમ ઉર્જાનીતિ ગુજરાતી બનાવી છે. ગંગાસ્વરૂપ યોજના હેઠળ વિધવાઓને સહાય આપવામાં આવે છે. ૨.૫  લાખ સખી મંડળોને આર્થિક સ્વાવલંબન આપવામાં આવ્યું છે. શાળાઓમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અમલમાં મૂકવામાં આવ્યું છે. ૨, ૩૦૦શિક્ષકો અને ૧૦,૦૦૦ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે.
૩૬ મી નેશનલ ગેમ્સ ગુજરાતમાં રમાય તે માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે વર્ષ:૨૦૨૨ થી ૨૭ માટેની નવી સ્પોર્ટ્સનીતિ અમલમાં મૂકવામાં આવી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વિકાસ સાથે પર્યાવરણનું જતન થાય તે માટે ક.મા.મુનશીએ શરૂ કરેલ વન મહોત્સવ,  જેને વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્ષ :૨૦૦૪ થી શરૂઆત કરી હતી. ધાર્મિક, ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોએ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવાનું ગુજરાતે પગલું લીધું છે. તાજેતરમાં ધોળી ધજા ડેમ ખાતે ૨૨ મા સાંસ્કૃતિક વન 'વટેશ્વર' વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મંત્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને આપવામાં આવ્યો હતો.
આ ઉજવણીમાં એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી. શાળાના બાળકોએ યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.
આ પ્રસંગે મંત્રીએ ભાવનગર જિલ્લાના આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓનું સન્માન કર્યુ હતું અને કોરોના વાયરસ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યકક્ષાના કોરોના વોરિયર્સ, અગ્રણી સ્વયંસેવકો, મહેસૂલ, પોલીસ, આરોગ્ય, ૧૦૮ એમ્બ્યુલન્સ, પંચાયત તથા શિક્ષણ વિભાગના કર્મચારીઓની પ્રશંસનીય સેવાને સન્માનીત કરી બિરદાવી હતી.
મંત્રીએ સને- ૧૯૪૮માં દીવ, દમણ અને ગોવાના સંગ્રામમાં ભાગ લેનાર ગુંદરડા ગામના વતની સ્વાતંત્ર સેનાનીશ્રી બળવંતલાલ મણીલાલ પુરોહિતનું સન્માન કર્યું હતું. તેમણે શહીદ પરિવારોનું  પણ સન્માન કર્યું હતું.
ધ્વજવંદન બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું પરેડનું નિરીક્ષણ અલંગ મરીન પોલીસના એ.સી. ડામોરે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિતુલભાઈ રાવલે કર્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સર્વ કનુભાઈ કળસરિયા, મીનાબેન મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લંગાળિયા, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ, મહુવા પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરી, મામલતદાર એન.એસ. પારિતોષ,સ્વામિનારાયણ ગુરુકુળના સંતો,  જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(7:37 pm IST)