Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જસદણ પંથકમાં ધુરંધર નેતાઓ હોવા છતાં પ્રજાના કામ ગોકળગતિએ...!

કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપતા સરકારી બાબુઓમાં ચર્ચા

( વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૫ : જસદણ શહેર તેમજ પંથકના અનેક દુખિયા અરજદારો પોતાના વિવિધ પ્રકારના કામો લઈ સેવા સદન અને નગરપાલિકાના સંબંધિતᅠ વિભાગના સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ પાસે વારંવાર ધક્કા ખાતા હોય છે તેમ છતા સરકારી બાબુઓ તેમના કામો સમયસર ન કરતા હોવાની ફરિયાદ મેહુલ સંઘવીએ કરી છે આ અંગે યોગ્‍ય ઉકેલ નહી આવે તો કોર્ટના દ્વાર ખખડાવાશે તેવી ચીમકી આપી છે.
મેહુલ સંઘવીએ સોશ્‍યલ મીડીયામાં બે દિવસ પહેલા મુકેલ પોસ્‍ટમાં જણાવ્‍યા મુજબ જસદણ શહેર તેમજ પંથકમાં ધુરંધર નેતાઓનો રિતસરનો રાંફડો ફાંટયો હોવા છતા પ્રજા કોના પાપે હેરાનગતી ભોગવી રહી છે ? સરકારી બાબુઓ ઉપર કોઈ નેતાઓની પક્કડ નથી રહી એવું સ્‍પષ્ટ દેખાઈ આવે છે.
અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના જસદણ - વિંછીયાના તાલુકા પ્રમુખ મેહુલ સંઘવીએ જણાવ્‍યું હતુ કે અમારી જેવા જાહેર જીવનમાં સક્રિય અને લોક ઉપયોગી સેવાકાર્ય કરતા નાગરીકને જો સામાન્‍ય અને વ્‍યાજબી કામ માટે સરકારી બાબુઓ વારંવાર ધરમના ધક્કા ખવડાવતા હોય તો સામાન્‍ય પ્રજાની હાલત શું થતી હશે તે સ્‍પષ્ટપણે સમજી શકાય છે.
મેહુલ સંઘવીએ જણાવ્‍યું હતુ કે સરકારી બાબુઓથી ત્રસ્‍ત થઈ ન્‍યાય મેળવવા માટે આગામી દિવસોમાં નામદાર કોર્ટના દરવાજા ખખડાવવાની મારી પૂરતી તૈયારી છે તેમજ જસદણ શહેરના જાગૃત પત્રકાર મિત્રો અને શહેરીજનોને સાથે રાખી જે તે વિભાગના બેજવાબદાર સરકારી બાબુઓની કાચબાના ચાલ જેવી કામગીરી જાહેર જનતા સુધી પહોંચાડવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે મેહુલ સંઘવીએ તેમના પાડોશમા એક જુના મકાનની પારા પેટ તુટે તેમ હોય પાલિકામાં અરજી આપી છે તે અંગે અગાઉ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી આ પારા પેટ તુટીને કોઇની માથે ન પડે તે માટે પાલીકામા રજૂઆત કરી હોવા છતા યોગ્‍ય પગલા ન ભરાતા હોય કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપી છે.

 

(10:25 am IST)