Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જોડીયા તાલુકામાં પુરના પાણી ઓસર્યાઃ જળપ્રલયની ભયાવહ સ્‍થિતિ

બે દિવસ પહેલા લીલોછમ પાક લહેરાતો હતો ત્‍યાં ખાલીખમ ખેતરોઃ પાક ધોવાતા ખેડૂતોની કફોડી સ્‍થિતિઃ સૌરાષ્‍ટ્રભરમાં ભારે નુકશાન

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ભારે નુકશાન થયુ છે. ખાસ કરીને જામનગર, જુનાગઢ, રાજકોટ જીલ્લામાં જળપ્રલયથી ભારે નુકશાન થયુ છે.
આ નુકશાનીનો તાગ મેળવવા માટે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે હવાઇ નિરીક્ષણ કર્યુ હતું.
જોડીયા તાલુકામાં ગઇકાલે રવિવારે વરસેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં અતિ ભારે વરસાદને પગલે આજી-૪ ડેમના પ૦ તથા ઊંડ-ર ના ૪પ દરવાજા બંને ૧૦ ફુટ જેટલા ખોલી છોડવામાં આવેલ ધસમસતા પાણીને કારણે થયેલ જળપ્રલયની ભયાવહ સ્‍થિતિ બાદ આજે પુરના પાણી ઓસરતા તબાહીના દ્રશ્‍યો સામે આવ્‍યા છે.
આજી-૪ ડેમ હેઠળના નદીકાંઠ ગામો તારાણા-મોરાણા શામપર-માધાપર-માનપર -રણજીતપર-વિરપર-બાલંભા-જામસર-ભીમકટા તેમજ ઊંડ-ર હેઠવાસના ભાદરા -બાદનપર-કુનડ-આણદા-જોડીયા વગેરે ગામોના કૃષિક્ષેત્રમાં સેંકડો એકર જમીનમાં ઉભેલા મુખ્‍યત્‍વે કપાસ-મગફળી તથા અન્‍ય પાકને વ્‍યાપક નુકસાની પહોંચી છે. મોટાપાયે  જમીન અને માટીના પાળાઓનું ધોવાણ થયું છે. ખેડૂતોને કરોડો રૂપીયાની આર્થિક નુકસાની થયાનું જાણવા મળે છે. બે દિવસ પહેલાં જયાં લીલોછમ પાક લ્‍હેરાતો હતો ત્‍યાં આજે ખાલીખમ ભીની માટીના ખેતરો જોવા મળી રહ્યા છે. જળપ્રલયે હાથમાં  આવેલો કોળિયો કુદરતે ઝૂંટવી લીધાનો અફસોસ જગતાત કરી રહ્યો છે. જોડીયા તાલુકા કિસાન અગ્રણી અને પૂર્વ જોડીયા તા. પં. પ્રમુખ જેઠાલાલ અઘારાએ આજે અસરગ્રસ્‍ત ગામોની મુલાકાત બાદ વ્‍યથા ઠાલવતા જણાવ્‍યું હતું. કે, ઓણસાલ સમયસર સારા વરસાદથી ખેડૂત વર્ગ સોળઆની વર્ષની આશાએ ખુશ હતો. પરંતુ કુદરતે એક જ ઝાંટકે અરમાનો પર પાણી ફેરવી દીધું છે. વધુમાં જણાવ્‍યું કે હજુ પણ મોટાભાગના ખેતરોમાં એક થી દોઢ ફુટ પાણી ભરેલા હોવાથી તે પાક પણ નિષ્‍ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.
સિંચાઇ ક્ષેત્રે તળાવો-ચેક ડેમો તેમજ ગ્રામ્‍ય માર્ગોમાં પણ ભંગાણ સર્જાયા છે. માનપર ગામે તળાવની પાળ તૂટી જતાં તળાવ ખાલીખમ થયું છે. બાલંભાના ગોપી તળાવના કાંઠાનું ધોવાણ થયું છે. શામપરના ચેક ડેમમાં ભંગાણ થયું છે. પીઠડ-રસનાળ વચ્‍ચે તેમજ કેશિયા ગામ પાસે કોઝવે તૂટી ગયા છે. જામદુધઇ-ભીમકરા-જામસર ગ્રામ્‍ય માર્ગનું મોટાપાયે ધોવાણ થતાં વાહન વ્‍યવહાર ઠપ્‍પ થયો છે. વિદ્યુતના ૪પ જેટલા ટી. સી. તથા ૧પ૦ જેટલા વીજ પોલ ધરાશયી થયાનો પ્રાથમિક અંદાજ છે. હજુ આંકડો વધવા સંભવ છે. નીચાણવાળા ભાગોમાં રહેતા અસંખ્‍ય પરિવારોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને મોટાપાયે નુકસાની થયાનું જાણવા મળે છે.

 

(11:07 am IST)