Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મોજ અને ભાદર નદી ગાંડીતુર બની કાંઠા ઉપર વહેવા લાગી : ઉપલેટામાં મેઘકહેર અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

ગોંડલ બાપુએ બનાવેલી દિવાલ અને પાળાના લીધે ગામમાં પાણી ન આવ્યું

(ભરત દોશી દ્વારા) ઉપલેટા,તા. ૧૫: ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે સવારથી જ વરસાદ કયાંક ધીમીધારે કયાંક ભારે વરસાદ વરસી રહ્યો હતો દિવસ દરમિયાન ૪ ઈંચથી લઈ ૧૨ ઈંચ સુધીનો વરસાદ વરસી જતા પાણી પાણી થઈ ગયુ હતુ. ઉપલેટાની જીવાદોરી સમાન મોજ ડેમના ઉપરવાસમાં પડેલા અતીભારે વરસાદના લીધે મોજ ડેમના ૨૭ દરવાજા એકીસાથે સંપૂર્ણ પણે ખોલી નાખવામાં આવ્યા હતા જેને લઈને મોજ નદી બે કાંઠે વહેવા લાગી હતી અને જોતજોતામાં રોદ્ર સ્વરૂપ ધારણ કરી ભયજનક સપાટીએ પહોંચી ગઈ હતી.

જેને કારણે ઉપલેટા શહેરના અનેક વિસ્તારોમાં મોજ નદીના પાણી દ્યૂસી ગયા હતા જેવા કે જળેશ્વર વિસ્તાર વાડલા રોડ વિસ્તાર સોનલ નગર અને દ્વારકાધીશ સોસાયટી આસપાસનો વિસ્તાર રામગઢ અને સ્મશાનની આજુબાજુનો વિસ્તારમાં પાણી ઘૂસી જવાના લીધે તે વિસ્તારના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તેમજ ઉપલેટા સ્મશાનની દિવાલ અને કબ્રસ્તાનની દીવાલ પણ આ ધસમસતા પાણીના કારણે ધરાસાઈ થઈ હતી. તેમજ ઉપલેટા શહેરના મોજ નદી અને ભાદર નદી અને વેણુ નદીમાં એકીસાથે આટલુ પાણી આવતા ભાદર મોજ અને વેણુ નદી કાંઠા ઉપરથી વહેવા લાગી હતી.

ઉપલેટા શહેરમાં ભાદર અને મોજ નદી કાંઠા ઉપરથી વહેવા લાગતા ઉપલેટાના ગાધાના પારાથી લઈ હાથફોડી સમઢીયાળા રોડ સુધી લગભગ ૪ થી ૫ કિલોમીટરના વિસ્તારમાં ભાદર અને મોજ નદીના ધસમસતા પાણી ફરી વળ્યા હતા જેને કારણે ઉપલેટા શહેરના ભાદર કાંઠાના અને મોજ નદી કાંઠાના વિસ્તારોના ખેતરમાં જમીનોમાં વાવેતર કરેલ મગફળી કપાસ એરંડા સોયાબીન બાગાયતી પાક સહિતના પાકોમાં ખૂબ જ મોટા પાયે નુકસાન થયુ હોય અને જમીનોનું પણ ધોવાણ થયું હોય એવું હાલ અનુમાન લાગી રહ્યું છે પરંતુ સાચી હકીકત તો આ પુરના પાણીના ઉતર્યા બાદ જ ખબર પડશે કે કેટલી નુકસાની થઈ છે. ઉપલેટા તાલુકાના ગાધા ઈસરા નિલાખા ગણોદ હાથફોડી સમઢીયાળા તલંગણા કુંઢેચ મજેઠી લાઠ ભીમોરા ચીખલીયા ડુમીયાણી વાડલા સેવંત્રા ખાખીજાળીયા નવાપરા કેરાળા ગઢાળા સહિતના અનેક ગામોમાં ભાદર મોજ અને વેણુ નદીના પૂરના પાણી ફરી વળવાને લીધે ખેતરોમાં મોટા પાયે નુકસાની થઈ હોય તેવુ હાલ અનુમાન લાગી રહી છે.

ઉપલેટા તાલુકાના ઈસરા નિલાખા ગણોદ તલંગણા કુંઢેચ મજેઠી લાઠ ભીમોરા સહિતના અનેક ગામોમા આ ત્રણેય નદીઓ ભાદર મોજ અને વેણુ નદીના પાણી ફરી વળતા ધણા ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા જેથી કરીને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો હતો જેથી કરીને લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.તેમજ ઉપલેટા તાલુકાના ઈસરા ગામે બચાવ કામગીરીમાં ગયેલા ઉપલેટા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. એચ.એમ.ધાંધલ સંહિતાનો પોલીસ સ્ટાફ પાણીના પુરમાં ફસાઈ ગયો હતો. જયારે અન્ય એક ઘટનામાં ઉપલેટા તાલુકાના ભાયાવદર અરણી રોડ ઉપર મોટરસાયકલ સવાર ત્રણ યુવકો ગણાતા બેને બચાવી લેવામાં આવ્યા હતા જયારે એક યુવક લાપત્ત્।ા થયેલ છે.તથા ઉપલેટા ભાયાવદર અને અરણી રોડ પર ભારે વરસાદના લીધે પુલ તુટી જવાથી ભાયાવદર અરણી રોડ બંધ થઈ ગયેલ છે.

(1:09 pm IST)