Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ધોરાજીના ચકચારી 'લવ જેહાદ'ના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

ધોરાજી,તા. ૧૫: લવ જેહાદના કેસમાં આરોપીના જામીન રદ કરતા ધોરાજીના સેશન્સ કોર્ટ ચુકાદો આપેલ હતો.

ધોરાજી નગરમાં ભોગ બનનાર તરફથી તારીખ ૧૧/૭/૨૦૨૧ ના રોજ ફરિયાદ કરવામાં આવેલી કે આરોપી મોહંમદ ઉર્ફે દાડો ગનીભાઇ સમા રહેવાસી રાધાનગર વાળાએ કપટપૂર્વક રીતે પોતે લગ્ન કરેલા નથી તેવું જણાવી અને ભોગ બનનાર ફરિયાદીને ઇન્સ્ટ્રાગ્રામ મારફતે અમલમાં પડાવી બાદમાં મોરબી પાસે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવાનું કહી અને માનસિક દબાણ આપી લગ્નની લાલચ આપી તથા અમુક વખતે ભોગ બનનારની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેમના શરીર નો દુર ઉપયોગ કરેલો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રી સાગર બાગમાંર ને તપાસ સોંપવામાં આવેલી હતી. તેમણે તાત્કાલિક આરોપીના દ્યર પર ધરતી લીધેલી પરંતુ આરોપી કયાં થી ભાગી ગયેલ. અને ત્યારબાદ સાહેદોનાં નિવેદન અને તપાસ પણ ચાલુ કરી દીધેલી હતી. અને ગણતરીના સમયમાં જ આરોપી મહંમદ ઉર્ફે દાડો ની ધરપકડ કરી લેવામાં આવેલી હતી ત્યારબાદ તારીખ ૧૫ જુલાઈ ૨૦૨૧ થી આ આરોપી જેલમાં હતો.

તે દરમિયાન ગુજરાતની વડી અદાલત એ જમિયત ઉલેમા હિન્દ ગુજરાત વિરુદ્ઘ સ્ટેટ ઓફ ગુજરાત નો તારીખ ૧૯ ૮ ૨૦૨૧ નો ચુકાદો આપી અને સામાન્ય ભાષામાં કહીએ તો લવ જેહાદના કાયદા પર રોક આપેલી હતી. જેને લઇને આરોપી તરફથી ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ શ્રી રાહુલ કુમાર શર્માની અદાલતમાં પોતાને જામીન મુકત કરવા માટેની દાદ માંગી હતી.

સમાંતર ધોરણે ભોગ બનનારને તેમના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપી અને સમાધાન કરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું હતું આ અંગે અલગથી તપાસ ધોરાજીના મહિલા પીએસઆઇ શ્રી નયનાબેન કદાવલા ને મહિલાની ગરીમાં જળવાઇ રહે તે માટે સોંપવામાં આવેલી હતી.

ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ સાહેબ રૂરૂ એડિશનલ પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે ગુજરાતની વડી અદાલતે લગાવેલી છે તે સામાન્ય સંજોગોમાં ચેક લગાવેલી છે જયારે ભોગ બનનાર ને લલચાવવા માં આવેલ હોય લાવવામાં આવેલ હોય કે ધમકાવવામાં આવેલું હોય ત્યારે લવજેહાદનો કાયદો અમલમાં છે જ તેના પર ગુજરાતની વડી અદાલત નો કોઈ મનાઈ હુકમ નથી. વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે હાલના કિસ્સામાં ભોગ બનનારને ફરિયાદ દાખલ થઇ ગયા પછી પણ સામાજિક રીતે બદનામ કરી દેવાની ધમકી આપવામાં આવી રહી છે જે જોતા આરોપીના જામીન મંજુર કરવામાં આવે તો ન્યાયિક કાર્યવાહી ન ગણી શકાય. આરોપીએ પોતાની શરીરની ભુખ સંતોષવા માટે પોતાની ખોટી ઓળખ આપેલી છે પોતે પરિણીત હોવા છતાં અપરિણીત કહેલ છે અને દલીલને ખાતર માની લેવામાં આવે કે ભોગ બનનાર સાથે તેઓના કોઈ અંગત પળોના ફોટા છે તો તે ફોટા પાડવાની મંજૂરી માત્રને માત્ર અંગત ઉપયોગ માટે હોઈ શકે તેને જાહેર જનતા વચ્ચે વાયરલ કરવા માટે હોઈ શકે નહીં. આ તમામ સંજોગો જોઈ અને સરકારી વકીલ તરફથી રજૂ કરવામાં આવેલ ચુકાદાઓને ધ્યાને લઇ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ શ્રી રાહુલકુમાર શર્માએ આરોપીના જામીન રદ કરતાં ઠરાવ આપેલો હતો. 

(11:54 am IST)