Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ભાણવડમાં વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ સાથે જિલ્લામાં કુલ સરેરાશ ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો

અન્ય ત્રણ તાલુકાઓમાં ધીમીધારે ઝાપટાઃ ભાણવડનો વર્તુ-૨ ડેમ છલકાતા તંત્ર દ્વારા લોકોના સ્થળાંતર સહિતની તજવીજ

(કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળિયા, તા.૧૫: જામનગર-રાજકોટ વિગેરે જિલ્લાઓમાં મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેમ અનેક આ જિલ્લાઓમાં સ્થળોએ ખાનાખરાબી સર્જી દીધી છે. જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોડો પરંતુ મહદંશે માફકસર વરસાદ વરસ્યો છે.

ત્રણ દિવસ પૂર્વે ખંભાળિયા પંથકમાં સાડા પાંચ ઇંચ વરસાદ સહિત સચરાચર વરસાદ વરસી ગયા બાદ છેલ્લા બે દિવસ થયા ધીમીધારે વરસાદ વરસ્યો છે. જેના કારણે કોઈ મોટી જાનહાની થવા પામી નથી. આ વરસાદના કારણે જિલ્લાના અનેક જળાશયોમાં વ્યાપક પ્રમાણમાં નવું પાણી સંગ્રહિત થયું છે. જેના કારણે જિલ્લાના ૧૪ પૈકી ૬ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. જિલ્લામાં ગઈકાલે વધુ એક ભાણવડનો વર્તુ-૨ ડેમ ઓવરફ્લો થતા અને નીચાણવાળા વિસ્તારોમાં ખાના ખરાબીની દહેશત વચ્ચે તંત્ર દ્વારા આ અંગે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

મહદંશે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. પરંતુ ભાણવડ તાલુકામાં મેદ્યરાજાએ

દિવસ દરમ્યાન અવિરત રીતે વરસાદ વરસાવી પોણા ત્રણ ઈંચ (૬૬ મિલીમીટર) પાણી વરસાવી દીધું છે. જેના કારણે ભાણવડ તાલુકામાં મોસમનો કુલ વરસાદ ૩૦ ઈંચથી વધુ (૭૫૫ મિલીમીટર) સાથે કુલ સરેરાશ ૧૦૭.૪૦ ટકા નોંધાયો છે.

ધોધમાર વરસાદથી ભાણવડમાં આવેલો વર્તુ-૨ ડેમ ઓવરફ્લો થઈ જતાં આ ડેમના પાંચ દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવવાની અને શકયતા વચ્ચે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને આ અંગે માહિતગાર કરી અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. એટલું જ નહીં, નીચાણવાળા વિસ્તારો તેમજ નદીતટના વિસ્તારોમાંથી લોકોએ સલામત સ્થળે સ્થળાંતર કરી લેવા અને આ વિસ્તારમાં અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્તુ-૨ ડેમ ઓવરફલો થતા નજીકના જામરાવલ વિસ્તારમાં લોકોને હાલાકી સજાવવાની દહેશત વચ્ચે તંત્ર એકશનમાં આવી ગયું છે. અને ખાના-ખરાબી ના થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જોકે ૧૦૭ ટકા વરસાદ વરસી ગયા બાદ ગત રાત્રીથી ભાણવડ પંથકમાં મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.

આ સાથે દ્વારકા તાલુકામાં ગઈકાલે મંગળવારે સવારના ૧૩ મિલીમીટર વરસાદ મેઘ વિરામ રહ્યો હતો, હાલ દ્વારકા તાલુકામાં કુલ ૨૨ ઈંચ (૫૫૧ મી.મી.) સાથે મોસમનો કુલ વરસાદ ૧૦૮.૬૮% વરસી ગયો છે.

ખંભાળિયા શહેરમાં પણ ગઇકાલે આખો દિવસ મેઘાવી માહોલ વચ્ચે માત્ર હળવા છાંટા વરસ્યા હતા અને ૨૪ કલાક દરમિયાન માત્ર ૧૦ મી.મી. વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ સાડા ત્રીસ ઈંચથી વધુ (કુલ ૯૮.૦૮ ટકા) વરસી ગયો છે. આ જ રીતે કલ્યાણપુર તાલુકામાં પણ ગઈકાલે વદ્યુ ૧૦ ઈંચ સાથે મોસમનો કુલ વરસાદ ઈંચ (૯૬.૦૧ ટકા) વરસી ગયાનું નોંધાયું છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સરેરાશ સો ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે. ગતરાત્રીના નવેક વાગ્યાથી સાર્વત્રિક મેઘમહેર રહેતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.

(1:14 pm IST)