Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મોરબી જિલ્લામાં ૧૭ હજારથી વધુ અબોલજીવોનો નિભાવ કરવો કપરો

પાંજરાપોળ-ગૌશાળાના પશુઓ માટે સંવેદનશીલ સરકાર સંવેદના ચુકીઃ ગૌવંશનો નિભાવ મુશ્કેલ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૫: મોરબી નકોરોના કાળ દરમિયાન પાંજરાપોળ અને ગૌશાળામાં દાનની આવક ઘટતા પશુધનને નિભાવમાં મુશ્કેલી પડી હતી. આ પરિસ્થિતિને ધ્યાને લઈને જે તે સમયે રાજય સરકારે પશુધનને નિભાવવા માટે પાંજરાપોળ અને ગૌશાળાને સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ મોરબી જિલ્લામાં હજુ સુધી પાંજરાપોળ અને ગૌશાળાને પશુધન નિભાવવા માટે સરકાર તરફથી સહાય ન ચૂકવાતા ૧૭ હજારથી વધુ અબોલ જીવોનો નિભાવ કપરો બન્યો છે. જો કે, ધારાસભ્યએ પાંજરાપોળ અને ગૌશાળાને સહાય મળે તેવા સક્રિય પ્રયાસો કરવાનું જણાવ્યું હતું.

રાજયની સાથે મોરબી જિલ્લાના પાંજરાપોળ અને ગૌશાળાને કોરોના કાળ દરમિયાન પશુધન નિભાવવા માટે અમુક મહિનાઓ સુધી સહાય જાહેર કરવામાં આવી હતી. પરંતુ જૂન, જુલાઈ મહિના વીતવા છતાં સંવેદનશીલ સરકાર દ્વારા હજુ સુધી પાંજરાપોળ અને ગૌશાળાને સહાય મળી નથી. આ જૂન-જુલાઈમાં જોઈએ તો પાંજરાપોળ અને ગૌશાળા મળી ૯૭ સંસ્થાઓમાં નિભાવ કરતા ૧૭,૩૨૩જેટલા પશુઓ માટે રૂ. ૨,૬૪,૧૭,૫૭૫ ની સહાય ચૂકવવાની મોરબી કલેકટર દ્વારા રાજય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ સહાય ચુકવવામાં આવી નથી.

વિગતો મુજબ મોરબી જિલ્લા ઉપરાંત ભરૂચ, ભાવનગર, રાજકોટ અને સુરતમાં પશુઓ માટેની સરકારે જાહેર કરેલી ગ્રાન્ટ પણ હજુ બાકી છે. જયારે તા.૧૪ ના રોજ અન્ય જિલ્લાની દરખાસ્ત મુજબ ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી હતી. પરંતુ મોરબીમાંથી એક દિવસ મોડી દરખાસ્ત કરાતા ગ્રાન્ટ ચૂકવાઈ નથી. બાદમાં મોરબી કલેકટર કચેરી દ્વારા સરકારમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ગ્રાન્ટ ન ફાળવાતા પાંજરાપોળ અને ગૌશાળાઓને પશુઓનો નિભાવ કરવામાં મુશ્કેલી પડે છે.

આ મામલે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, સરકારની સહાય ત્વરિત મોરબી જિલ્લાના પાંજરાપોળ અને ગૌશાળાને મળે તે માટે સરકારના જે તે વિભાગમાં રજુઆત કરી છે અને ધારાસભ્યએ પાંજરાપોળ અને ગૌશાળાને સહાય મળે તેવા સક્રિય પ્રયાસો કરવાનું જણાવ્યું હતું.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં હવેથી કાર્ડિયોલોજીસ્ટની સેવા

મોરબી : સિવિલ હોસ્પિટલના અધિક્ષકની યાદી જણાવે છે કે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તા. ૧૪ થી કાર્ડિયોલોજીસ્ટ ડો. ખંડેલવાલની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં હૃદયરોગ, વાલ્વની બીમારી, હાઈ બીપી, હૃદયના અનિયમિત ધબકારા, વારંવાર છાતીનો દુખાવો સહિતના રોગના દર્દીઓ અને હૃદય તેમજ લોહીની નળીના રોગોને લગતા દર્દીને ડોકટર દ્વારા ફ્રી ઓફ ચાર્જ તપાસવામાં આવશે અને નિદાન કરવામાં આવશે

કાર્ડિયોલોજીસ્ટ ડોકટર રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં દરરોજ સવારે ૯ થી ૧૦ કલાકે મોરબી સિવિલ હોસ્પિટલના રૂમ નંબર ૦૯ ખાતે મળી શકશે જે સેવાઓનો લાભ લેવા અધિક્ષકની યાદીમાં જણાવ્યું છે.

(1:24 pm IST)