Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ઝાખર પાસે કાર હડફેટે મોટરસાયકલ સવારનું મોતઃ મોડપર ગામે જૈન દેરાસરમાં હાથફેરો

વાગ્દતાને પ્રેમીએ મોબાઇલ ફોન આપતા બઘડાટી બોલીઃ રિક્ષા પાણી તણાતા મોત

જામનગર, તા.૧૫:  મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુમાનસિંહ સુરસંગજી ચુડાસમા, ઉ.વ.૩૩, રે. કજુરડા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  ઝાખર ગામ તરફ જવાના રસ્તે પઠ્ઠાપીર જગ્યા પાસે રોડ ઉપર ફરીયાદી ગુમાનસિંહના ભત્રીજા ધરમવીરસિંહ નવલસિંહ ચુડાસમાની મોટરસાયકલ  નં. જી.જે.–૩૭–એ–૪૬૧૬ વાળીને સ્વીફટ કાર નં. જી.જે.–૧૦–સી.જી.–૧૧૯૪ના ચાલકે પોતાની કાર બેફીકરાઈથી ગફલતરી રીતે ચલાવી ફરીયાદી ગુમાનસિંહના ભત્રીજા ધરમવીરસિંહની મોટરસાયકલને ઠોકર મારી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી ગુનો કરેલ છે.

નવાગામમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભયપાલસિંહ સહેદવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ગામમાં આવેલ મોજે ડેમ પાસે મુળજીભાઈ શામજીભાઈ નારીયાની વાડી પાસે આવેલ વડલાના ઝાડ નીચે અલ્પેશભાઈ ધરમશીભાઈ તાળા, દિનેશભાઈ પ્રેમજીભાઈ સાવલીયા, દિનેશભાઈ પરષોતમભાઈ અકબરી, ગોકળભાઈ વલ્લભભાઈ અકબરી, મુળજીભાઈ શામજીભાઈ નારીયા, જુગાર રમતા રેઈડ દરમ્યાન કુલ રૂ, ર૩૭પ૦/– તથા બે સેમસંગ કંપનીના મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૧૦૦૦/– મળી કુલ રૂ.ર૪૭પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મેઘપર પોલીસ સ્ટેશનમાં જયંતીલાલ રતીલાલ પુંજાણી, ઉ.વ.પપ, રે. જૈન દેરાસર મંદિર, મોડપર ગામવાળા એ ફરીયાદ નોંધાવી  છે કે, અજાણ્યા ચોર ઈસમે મોડપર ગામે આવેલ જૈન દેરાસરના મંદિરનો મુખ્ય દરવાજો કોઈ સાધન વડે નકુચો તોડી તેમાં પ્રવેશ કરી દેરાસરમાં રાખેલ દાનપેટીનું તાડુ તોડી તેમાંથી આશરે અલગ–અલગ દરની ચલણી નોટો રોકડ રકમ રૂ.૩૦,૦૦૦/– ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં બીજલભાઈ લાખાભાઈ ટાલીયા, ઉ.વ.પ૦, રે. આવળમાતાજીના મંદિરની બાજુમાં નાળીયાર નેશ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  ઘાસના ગોડાઉન પાસે, હીના મીલ પાસે રોડ પર ફરીયાદી બીજલભાઈના ભત્રીજાએ આરોપી વિરાભાઈ પાલાભાઈ ટાપરીયા, રે. માલવડા નેશ વાળાની સગાઈ કરેલ તે હીરીબેનને મોબાઈલ લઈ દીધેલ હોય જે બાબતનો ખાર રાખીને આરોપી વીરાભાઈએ ફરીયાદી બીજલભાઈને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી અને લાકડી વડે ડાબા હાથના પોચાના ભાગે એક ઘા મારી ફેકચરની ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

ડૂબી જતા યુવાનનું મોત

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. દિનેશભાઈ આંબાભાઈ રાઠોડ એ જાહેર કરેલ છે કે,  વિનોદભાઈ ઉર્ફે પીન્ટુ પાલાભાઈ શેખવા, ઉ.વ.ર૧, રે. ભીમકટા ગામ, તા.જોડીયા, જિ.જામનગરવાળા પોતાની સી.એન.જી. રીક્ષા નં. જી.જે.૧૦–ટી.ડબલ્યુ–૭૮૧૧ વાળી લઈ પોતાના કુટુંબી ભાઈઓ સાથે ધ્રોલ ગેસ ભરાવવા માટે ગઈકાલ આવેલ હતા. અને મરણજનાર વિનોદભાઈ રીક્ષા ચલાવતો હતો અને પરત તેમના ગામ જતા હતા. ત્યારે આઠ નાલા વાગુદડીયા વોકળાના કોઝવે ઉપરથી પસાર થતા ત્યારે રીક્ષા પાણીમાં બંધ થઈ જતા પાણીના વહેણમાં રીક્ષા સાથે ત્રણેય જણા તણાઈ જતા તેમના બીજા બે કુટુંબી ભાઈઓ તરીને બચી ગયેલ પરંતુ મરણજનાર વિનોદભાઈ પાણીના વોકળામાં તણાય ગયેલ હોય જેની લાશ આજરોજ મળેલ છે.

ઝેરી જનાવર કરડી જતા બાળકનું મોત

કાલાવડ તાલુકાના જીવાપર ગામે શામજીભાઈ ભુરાભાઈ પાગડારની વાળીએ રહેતા કાળુભાઈ ઝગલાભાઈ ધાણક, ઉ.વ.ર૩, એ કાલાવડ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે. કે, જયોતીબેન રાકેશભાઈ ધાણક, ઉ.વ.૦૭, રે. શામજીભાઈ ભુરાભાઈ પાગડારની વાળી, જીવાપર ગામવાળા તેમના બાપુજીએ ભાગમાં રાખેલ વાડીની ઓરડીમાં રમતા હોય અને અચાનક તેના ડાબા હાથની ત્રીજી આંગળીમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા મોઢામાંથી ફીણ આવી જતા સારવાર અર્થે કાલાવડ સી.એચ.સી. સેન્ટર ખાતે લઈ  આવતા મૃત્યુ પામેલ છે.

(1:36 pm IST)