Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

નવલા નોરતા પૂર્ણઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રાત્રે રાવણદહન

સવારથી મિઠાઈ અને ફરસાણની દુકાનોમાં લાઈનોઃ નવરાત્રી અનુષ્‍ઠાન પૂર્ણ

 

ગોંડલઃ તસ્‍વીરમાં ગોંડલમાં અવનવી મિઠાઈ નજરે પડે છે (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઈકાલે નવલા નોરતા પૂર્ણ થયા છે. આજે રાત્રીના રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રાવણદહન કરવામાં આવશે.  આજે દશેરા પર્વ નિમિત્તે સવારથી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિઠાઈ-ફરસાણ આરોગવાની મજા માણી હતી.

રાત્રીના રાવણદહનનું સર્વત્ર આયોજન કરવામાં આવ્‍યુ છે.
મોરબી
મોરબીના સામાકાંઠા વિસ્‍તારમાં નટરાજ ફાટક પાસે આવેલા પાવર હાઉસ ખાતે ગરબી મંડળ આયોજીત મહાયાગનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં યજ્ઞના પ્રધાન આચાર્ય પદે મોરબીના શાસ્‍ત્રીજી કૃષ્‍ણચંદ્ર દિલીપભાઈ દવે તેમજ અધ્‍યક્ષ આચાર્ય પદે દિલીપભાઈ દવે શાસ્‍ત્રીજી ઉપસ્‍થિત રહી વેદોકત મંત્રોચ્‍ચાર દ્વારા યજ્ઞ વિધિ-વિધાન કરવામાં આવ્‍યુ હતું. તેમજ યજમાન પદે રવિ રમેશભાઈ તથા જી.ઈ.બી. તમામ કર્મચારીઓ, અધિકારીઓ, સ્‍ટાફ કોલોની રહેવાસીઓ અને આસપાસના વિસ્‍તારના ભાવિક ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.
ગોંડલ
(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલમાં આજે વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કોલેજ ચોક ખાતે ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ત્રિશુલ દિક્ષા, શસ્‍ત્ર પૂજન તેમજ રાવણ દહનનું આયોજન કરેલ હોય ગોંડલની ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા યાદીમાં જણાવેલ છે. આયોજનને સફળ બનાવવા માટે વિશ્વ હિન્‍દુ પરિષદના પ્રમુખ રસ્‍મીન અગ્રાવત અને મહામંત્રી મયુર મહેતા તેમજ બજરંગ દળના સંયોજક જય ખંધેડીયા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.(૨-૭)

 

(11:28 am IST)