Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પોરબંદરનો વધુ એક ઉદ્યોગ ઓરીયન્ટ એબ્રેસીવ્ઝ બંધઃ અત્યાર સુધીમાં અનેક મોટા ઉદ્યોગો બંધ થતા આર્થીક પાયમાલી

ભુતકાળમાં મહારાણા મીલ, એચએમપી સીમેન્ટ જગદીશ ઇન્ડસ્ટ્રીઝ બેરીંગ ઉદ્યોગને તાળા લાગી ગયેલઃ મુદત આવ્યા વિના કામદારોને છુટા કરવાનું ગેરકાયદે હોવાનું જણાવતા કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૫: કંપનીની બેધારી નીતીને કારણે શહેરનો વધુ એક ઉદ્યોગ ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ ફેકટરી બંધ થઇ રહી છે અને ઓરીએન્ટ એબ્રેસીવ્ઝના કામદારોને તાત્કાલીક અસરથી છુટા કરવાની નોટીસ ઇસ્યુ કરાતા તે સામે કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ વિરોધ દર્શાવેલ છે. કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે અત્યાર સુધીમાં શહેરમાં મહારાણા મીલથી માંડીને એચ.એમ.પી. સીમેન્ટ ફેકટરી સહીત અનેક મોટા ઉદ્યોગોને તાળા લાગી જતા અને વધુ એક ઉદ્યોગ બંધ થતા શહેરમાં ભારે મંદી જોવા મળી રહી છે આર્થીક પાયમાલી શરૂ થઇ છે.

ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ ફેકટરી બંધ કરવાની નોબત ઉભી થઇ છે અને જેના કારણે હજારો કામદારોને તાત્કાલીક અસરથી છુટા કરવાની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે તે ગેરકાયદેસર હોવાનું જણાવીને કર્મચારીઓને મુદત આપ્યા વગર તાત્કાલીક અસરથી છુટા કરી શકાય નહી અને કંપની આ રીતે તાત્કાલીક અસરથી પણ કરી શકાય નહી તેમ રામદેવભાઇ મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સમાં વિસ્તૃત માહીતી આપી હતી અને કોંગ્રેસ પક્ષ હંમેશા કામદારોની સાથે રહયો છે અને રહેશે. કામદારો માટે અવાજ ઉઠાવશે અને જયાં જરૂર પડે ત્યાં સુધી આંદોલન-રજુઆત પણ કરશે.

પ્રદેશ કોંગ્રેસના પુર્વમંત્રી અને પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે પોરબંદર પંથકમાં આંગળીના વેઢે ગણાય એટલા માત્ર ચાર મોટા ઉદ્યોગ છે જેમાં મત્સ્ય ઉદ્યોગ, હાથી સીમેન્ટ, નિરમા ફેકટરીમાં ઘટેલી દુર્ઘટનાને પગલે ૯૦ દિવસ સુધી બંધ કરવામાં આવી છે તે ઉપરાંત પોરબંદરનો મત્સ્યઉદ્યોગ પણ મૃતઃપ્રાય સ્થિતિમાં છે. ત્યારે ઓરીએન્ટ ફેકટરી પણ સરકારની અને કંપનીની બેધારી નીતીને કારણે બંધ કરવાની નોબત ઉભી થઇ છે.

રામદેવભાઇ મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું છે કે પોરબંદરમાં લાંબા સમયથી નવા ઉદ્યોગ આવ્યા નથી અને સરકાર દ્વારા નવા-નવા ઉદ્યોગ સ્થાપવા માટેની પ્રોત્સાહક નીતીઓ જાહેર કરવામાં આવે છે. પરંતુ ચાલુ ઉદ્યોગને મદદરૂપ બનવા માટે સરકાર ગંભીર બનતી નથી અને તેવામાં પોરબંદર ખાતે આશાપુરા ગ્રુપ દ્વારા સંચાલીત ઓરીએન્ટ ફેકટરી તાળા મારી રહી છે. ત્યારે સરકારે પ્રોત્સાહીત નીતી જાહેર કરીને, કંપનીની રજુઆતો ધ્યાને લઇને કાચામાલ અંગે યોગ્ય નિરાકરણ લાવીને કંપનીને કાચો માલ પુરો પાડવા સહાયરૂપ બનવું જોઇએ. કંપનીને કાચો માલ બોકસાઇટ લાંબા સમયથી મળવાનું બંધ છે. જયાંથી તેઓને બોકસાઇટ ફેકટરી સુધી લાવતા પહેલા નો-ઓબ્જેકશન સર્ટીફીકેટની પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે.

રામદેવભાઇએ જણાવ્યું હતું કે પોરબંદરમાં ઓરીએન્ટ ફેકટરી દ્વારા જન મહીનામાં ફેકટરી બંધ કરવાની તૈયારીઓ આરંભી દીધી હતી અને અચાનક કામદારોને છુટા કરી દીધા હતા. ત્યારે ઉગ્ર વિરોધ બાદ નાછુટકે કંપની ચાલુ રાખવાની સંચાલકોને ફરજ પડી હતી. પરંતુ ફરીને ૪ મહિનામાં તાત્કાલીક અસરથી કામદારોને છુટા કરવાની જાહેરાત કરીને કંપનીએ કામદારોને રસ્તા ઉપર લાવી દીધા છે. ૧૦૦૦ જેટલા કામદારો ઉપરાંત રપ૦ના અન્ય સ્ટાફને તાત્કાલીક અસરથી છુટા કરી શકાય નહી. તેઓને યોગ્ય સમય, મુદત આપવી જોઇએ અને ફેકટરીને ચાલુ રાખવા માટે પુરતા પ્રયત્નો હાથ ધરવા જોઇએ. થોડા મહીનાઓ પહેલા જ આ કંપની બંધ થવાથી બેરોજગારીના ડરથી કંપનીમાં જ એક યુવાને ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ પણ પ્રકાશમાં આવ્યો હતો જે દુઃખદ છે.

પોરબંદરમાં ભુતકાળમાં નેક ઉદ્યોગો ધમધમતા હતા. કાપડની મહારાણા મિલથી માંડીને એચએમપી સિમેન્ટ ફેકટરી સહીત જગદીશ ઇન્ડસ્ટ્રીઝ અને ફીટટાઇટ બેરીંગ જેવા મોટા ઉદ્યોગો એક પછી એક તાળા લાગી ગયા છે આટલુ ઓછુ હોય તેમ માછીમારી ઉદ્યોગ પણ કોરોનાના વમળમાં અને પાક. મરીન સીકયુરીટીની દાદાગીરીમાં એટલી હદે ફસાય ગયો છે કે શહેરમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહયો છે ત્યારે અધુરામાં પુરૂ હવે ઓરીએન્ટ ફેકટરી પણ બંધ થઇ છે ત્યારે મંદી વધુ હેરાન-પરેશાન કરશે તેવું જણાઇ રહયું છે તેમ રામદેવભાઇએ જણાવેલ છે.

રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું છે કે ઓરીએન્ટ ફેકટરી બંધ થવાથી માત્ર કામદારો જ નહી પરંતુ શહેરમાંથી અહી સુધી રીક્ષાના ફેરા કરતા રીક્ષાચાલકો, ફેકટરીની આસપાસ વ્યવસાય કરતા છુટક ધંધાર્થીઓ, લારી ધારકોને પણ મોટો ફટકો પડશે અને કામદારો અને અન્ય તમામ મળીને ૫૦૦૦ જેટલા લોકો બેકારીના ખપ્પરમાં હોમાઇ જશે.

(12:10 pm IST)