Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ જીઇબી કચેરીના નાયબ ઇજનેર સહીત બેને લાંચના કેસમાં એક વર્ષની સજા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૫ : દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ જીઇબી કચેરીમાં ફરજ બજાવતા આરોપી નં. (૧) કલ્પેશભાઇ ઠાકોરભાઇ પટેલ નાયબ ઇજનેર વર્ગ-૧ જીઇબી ભાણવડ તથા આરોપી નં. (ર) બળવંતભાઇ કાનજીભાઇ પોપટ (પ્રજાજન) રહે.ભાણવડ વાળાઓને એબીસીના કેસમાં એક વર્ષની સજા એડીશ્નલ સેસન્સ જજશ્રી ખંભાલીયા કોર્ટ જી.દેવભુમી દ્વારકાએ કરેલ છે.

આ કામના ફરીયાદીની દુકાને આરોપી નં. ૧ના સ્ટાફ સાથે આવેલ અને ફરીયાદીનું ઇલેકટ્રીક મીટર કાઢી ગયેલ જે મીટર પાછુ લગાડી આપવા કેસ ફાઇલે કરવા રૂા. પ,૦૦૦ની લાંચ માંગેલ છેલ્લે રૂા. ૪,૦૦૦ નક્કી થયેલ. જે ફરીયાદ અંગે છટકુ ગોઠવતા આરોપી નં. ૧ ના એ પંચ-૧ની રૂબરૂમાં આરોપી નં. ર ની દુકાને પૈસા આપવા જણાવી ફોનથી વાતચીત કરી એકબીજાને મદદગારી કરી આરોપી નં.૧ના કહેવાથી આરોપી નં. રનાએ ફરીયાદી પાસેથી રૂા. ૪૦૦૦ની માંગણી કરી લાંચ સ્વીકારતા પકડાઇ જતા જામનગર એબીસી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧ર/૨૦૦૧ ભ્ર.નિ.અધિ.સને ૧૯૮૮ની કલમ ૭, ૧ર, ૧૩ (૧) (ૅઘ) તથા ૧૩ (ર) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

આ ગુનાની તપાસના અંતે આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરી કોર્ટમાં આપવામાં આવેલ હતું જે ગુનાની કોર્ટમાં ન્યાયીક કાર્યવાહી દરમ્યાન રજુ થયેલ ફરીયાદી પંચ તપાસ કરનાર અમલદાર વિગેરેના મૌખીક  પુરાવા અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ સરકારી વકીલશ્રી એલ.આર.ચાવડાનાઓની ધારદાર રજુઆત ધ્યાને લઇ નામદાર બીજા એડીશ્નલ સેસન્સ જજશ્રી ડી.ડી.બુધ્ધદેવ, સેસન્સ કોર્ટ ખંભાળીયા જી.દેવભુમી  દ્વારકાવાળાઓએ સજાનો આખરી હુકમ કરેલ છે.

આરોપીઓ પૈકી નંબર (૧) કલ્પેશભાઇ ઠાકોરભાઇ પટેલ નાયબ ઇજનેર જીઇબી ભાણવડ વર્ગ-૧ને ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ની કલમ ૭ મુજબ એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ર,૦૦૦ દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદની સજા તથા ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ની કલમ ૧૩ (૧) (ધ) તથા ૧૩ (ર) મુજબ ગુન્હાના કામે બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા. પ૦૦૦ દંડ જો દંડ ન ભરે તો છ માસની સાદી કેદની સજા કરવામાં આવેલ છે.

તેમજ આરોપી નંબર (ર) બળવંતભાઇ કાનજીભાઇ પોપટ રહે. ભાણવડ (પ્રજાજન)ને  ભ્ર.નિ.અધિ.સને ૧૯૮૮ની કલમ ૧ર મુજબ એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ર૦૦૦ દંડ, જો દંડ ન ભરે તો ત્રણમાસની સાદી કેદની સજા કરવામાં આવેલ છે.

(1:14 pm IST)