Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જામનગરમાં યોજાતી ૭૫ વર્ષથી શાસ્ત્રીય પરંપરાની આ ગરબીને આજે પણ નથી લાગ્યું આધુનિકતાનું ગ્રહણ

સમગ્ર ભારતમાં માત્ર જામનગરમાં ૭૫ વર્ષથી શાસ્ત્રીય ગરબી યોજાય છે અને એ ગરબી પણ એક પણ ઇલેકટ્રોનિક સાધન ના ઉપયોગ વગર સાદગીસભર રીતે માતાજીની આરાધના

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૫: જામનગરના કંસારા બજારમાં અંદાજે ૧૦૦ વર્ષ જૂનું શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. અહીં છેલ્લા ૭૫ વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જો કે અન્ય ગરબીઓ કરતાં અહીં થતા ગરબા થોડા નહીં પરંતુ સાવ અલગ છે. કારણ કે, આજના DJ અને લાઉડ સ્પીકરના યુગમાં આવા કોઈપણ ઉપકરણ વગર માત્ર પૌરાણિક વાંજીંત્રોના સથવારે ગરબા ગવાય છે.

એટલું જ નહીં અહીં શાસ્ત્રીય રાગ પર ગરબા ગવાય છે.જે આખા ભારતમાં કયાંય નથી યોજાતા. શ્રી મહાકાળી માતાજીના શાંત સ્વરૂપે બિરાજતા સ્વરૂપની સનીધ્યે ગરબી મંડળમાં સંપૂર્ણપણે પારંપરીક ઢબે ગરબી યોજાય છે. સાથે સાથે અહીં ગરબે રમતી બાળાઓ પોતે શાસ્ત્રીય રાગ આધારીત તૈયાર કરવામાં આવેલા ગરબા ગાય છે. અને ગરબે ઘૂમે છે. તો હાર્મોનિયમ અને તબલા જેવા પૌરાણિક વાજીંત્રો વગાડનાર કલાકારો પણ શાસ્ત્રીય સંગીતનો તાલ જ વગાડતા હોય છે. આ શાસ્ત્રીય ગરબાની રચના કલ્યાણજીભાઇ પરમારે કરી હતી. એમની સાથે જામનગર જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ કહી શકાય એવા સંગીત રત્નો આદિત્ય રામજી જેઓએ ઘરાનો સ્થાપિત કરેલો, ચતરનજી બારડ, મનુભાઇ છાટબાર, અનીલભાઇ ભટ્ટ જેવા મહાન સંગીતકારો દ્વારા આ શાસ્ત્રીય ગરબાની રચનાઓ તૈયાર કરવામાં આવી છે. જે શાસ્ત્રીય ગરબાઓની પરંપરા આજે પણ નવરાત્રિ દરમિયાન માણવા જેવી હોય છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:17 pm IST)