Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

૫ હજારની લાંચ લેતા ઝડપાયેલ સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી અમૃત પરમારના રિમાન્ડની તજવીજ

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૧૫ :. ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી અમૃત પરમાર ૫ હજારની લાંચ લેતા ઝડપાયા બાદ તેના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગ્રામ પંચાયતના એક રસ્તામાં પેવર બ્લોકનું કામ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આ કામ પીપળવા ગામની એક મંડળીના સંચાલક વાંઝા ભગવાનભાઈ વાસાભાઈએ રૂ. ૫.૧૦ લાખમાં રાખેલ હતુ. આ કામ પૂર્ણ થતા સંચાલકના બીલ માટે સુત્રાપાડા તાલુકા પંચાયત દ્વારા આ કામનું માપ અને કવોલીટી ચેક કરી બીલ પણ લખાઈ ગયુ હતું. બીલની ઉઘરાણી તાલુકા અધિકારી અમૃતલાલ પરમાર પાસે કરેલ હતી.

ત્યારે આ બીલ પાસ કરાવવા તાલુકા વિકાસ અધિકારીએ રૂ. ૫૦ હજારના માંગણી કરી હતી. જે રકમ કોન્ટ્રાકટરને આપવી ન હતી અને તેથી લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરી ફરીયાદ આપવામાં આવી હતી અને ફરીયાદના આધારે એસીબીએ રૂ. ૫૦ હજારમાંથી રૂ. ૫ હજારની રકમ સ્વીકારતા તાલુકા વિકાસ અધિકારીએ છટકુ ગોઠવી ઝડપી લેવામાં આવેલ હતા. છેલ્લા એક વર્ષથી અમૃતલાલ પરમાર તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે.

(3:51 pm IST)