Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જામનગર જિલ્લાના અંદાજિત ૧૧,૦૦૦થી વધુ આરોગ્‍યકર્મીઓને રસીકરણનો પ્રારંભ

ચાર કેન્‍દ્રો ઉપરથી વેક્‍સિનેશનની કામગીરી

જામનગર, તા. ૧૬ :  સમગ્ર દેશમાં કોરોના રસીકરણના અભિયાનનો પ્રારંભ થનાર છે, જેમાં જામનગર જિલ્લો પણ સહભાગી બનશે. આ માટે જામનગર જિલ્લા ખાતે રસીકરણની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્‍યમંત્રીશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાના હસ્‍તે જી.જી. હોસ્‍પિટલ ખાતેથી રસીકરણનો પ્રારંભ થયેલ છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા આ મહાઅભિયાનનો શુભારંભ કર્યા બાદ શહેર કક્ષાએ જી.જી.હોસ્‍પિટલ તેમજ નીલકંઠનગર યુ.એચ.સી અને ગ્રામ્‍ય કક્ષાએ ધ્રોલ તેમજ લાલપુર ખાતે રસીકરણનો શુભારંભ કરાયેલ.

રસીકરણના આ પ્રથમ તબક્કામાં જિલ્લા પંચાયતના અંદાજિત ૪૨૦૦ તેમજ મહાનગરપાલિકાના અંદાજે ૭૦૦૦ જેટલા આરોગ્‍યકર્મીઓને આવરી લેવામાં આવશે. આ માટે ૧૦૦-૧૦૦ની સંખ્‍યામાં લાભાર્થીઓને કેંદ્ર પર બોલાવવામાં આવશે. કોરોના મહામારી દરમિયાન પોતાના જીવના જોખમે સતત લોકોની સેવા કરનાર આ પ્રથમ હરોળના કોરોના વોરીયર્સને રસી આપવાના મહાઅભિયાન પ્રસંગે ધ્રોલ ખાતે ધારાસભ્‍ય રાઘવજીભાઇ પટેલ, લાલપુર ખાતે પૂર્વ મંત્રી ચીમનભાઈ શાપરિયા અને નીલકંઠ નગર યુ.એચ.સી ખાતે પૂર્વ ધારાસભ્‍ય મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્‍થિતિ હતી.

(1:04 pm IST)