Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ભુજ પાલિકાની ૪, તા.પં.ની ૨ બેઠકો ભાજપને મળી બિનહરીફ

કોંગ્રેસે ભાજપ ઉપર કર્યો ભય ફેલાવવાનો આક્ષેપ, ભાજપના જિ.પં.ના મહિલા ઉમેદવાર ૬ સંતાનોના માતા હોઈ ચૂંટણી માટે ગેરલાયક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૬: ચૂંટણી પહેલાં જ ભુજમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભુજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બે ઉમેદવારો હટી જતાં ભાજપને માનકુવા અને ડગાળા બેઠક બિન હરીફ મળી ગઈ છે.

જયારે ભાજપના દીનારા ગામના જિ.પં.ના મહિલા ઉમેદવાર મરિયાબાઈ મામદ સમા ૬ બાળકોના માતા હોઈ ચૂંટણી અધિકારી પાસે ઉઠાવાયેલા વાંધાને પગલે ગેરલાયક ઠર્યા છે. હવે તેમની જગ્યાએ બીજા ઉમેદવાર ભાજપ વતી લડશે.

જોકે, સૌથી વધુ ચર્ચા ભુજના વોર્ડ નં. ૯ માં કોંગ્રેસના ઉમેદવારોને કારણે છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસી આગેવાન નરેન્દ્ર શિવદાસ પટેલ અન્ય ઉમેદવારોના ફોર્મ લઈ ગુમ થઈ જતાં કોંગ્રેસના એક જ ઉમેદવાર ફોર્મ ભરી શકયા હતા પણ તેમનું ય ફોર્મ ટેકનિકલ કારણોસર રદ્દ થતાં ભુજના વોર્ડ નં. ૯ ના ભાજપના ચાર ઉમેદવારો બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે.

જોકે, કચ્છ જિલ્લા કોંગ્રેસ વતી આગેવાનો રવીન્દ્ર ત્રવાડી, રાજેન્દ્રસિંહ જાડેજા, દીપક ડાંગર, ગની કુંભાર, ધીરજ રૂપાણીએ ઉગ્ર પ્રતિક્રિયા આપી ભાજપ ઉપર ભય ફેલાવવાનું રાજકારણ રમવાનો ગંભીર આરોપ મૂકયો છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારના અપહરણનો પણ ભાજપ ઉપર આક્ષેપ મૂકી કપટ વાળું રાજકારણ ખેલવાનો આરોપ મૂકયો છે.

હાઇકોર્ટમાં જવાની ચીમકી સાથે ભાજપ આગેવાનોના જમીનના ભ્રષ્ટાચાર પાધરા કરવાનો અને લોકો સુધી લઈ જવાનો પડકાર ફેંકી કોંગ્રેસે ભાજપ સામે તીખી પ્રતિક્રિયા આપી છે.

(10:57 am IST)