Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જુનાગઢમાં કોંગ્રેસના કાર્યકરો પર હુમલો કરનાર બે શખ્સોની અટક

પેટા ચૂંટણીના પ્રચાર દરમ્યાન ૩ મહિલા સહિતના શખ્સોએ હુમલો કરેલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૬ :  જુનાગઢમાં પેટા ચૂંટણીના પ્રચાર દરમ્યાન કોંગ્રેસના કાર્યકરો પર હુમલો કરનારને બે શખ્સોની અટકાયત કરી અન્ય હુમલાખોરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જુનાગઢના વોર્ડ નં. ૬ અને ૧પ ની એક-એક બેઠકની પેટા ચૂંટણી માટે ર૧ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ત્યારે વોર્ડ નં. ૧પ નાં કોંગી ઉમેદવાર અને પૂર્વ મેયર લાખાભાઇ પરમારનાં પ્રચાર માટે તેમના પુત્ર ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો વગેરે બંદોબસ્ત સાથે ગઇકાલે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા.

ત્યારે પ્રદીપ ખાડીયા વિસ્તારમાંથી પસાર થતા હતા તેવા સમયે કમલેશ ઉર્ફે મચ્છર સોલંકી, મેહુલ કાંતીભાઇ પરમાર, વિજય ઉર્ફે લંગડો, સાહિલ મોહનભાઇ સોલંકી તથા એક અજાણ્યો ઇસમ અને ત્રણ અજાણી મહિલાઓએ ઝઘડો કરી સોડા બોટલથી હુમલો કરી પથ્થરના ઘા કર્યા હતા.

આ હુમલામાં ધર્મેન્દ્ર પરમાર સહિત પાંચ મહિલાને ઇજા થઇ હતી.

આ બનાવનાં પગલે પોલીસે દોડી જઇ હુમલાખોરો સામે રાયોટીંગનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તેમજ વોર્ડ નં. ૧પમાં વધુ કોઇ અચ્છનીય બનાવ બને નહિ તે માટે વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

દરમ્યાન એ-ડીવીઝનનાં પી.આઇ. આર.જી. ચૌધરી સહિતના પોલીસ સ્ટાફે કોંગ્રેસના કાર્યકરો પરનાં હુમલાની ત્વરિત તપાસ હાથ ધરી સાહિલ મોહન સોલંકી અને મેહુલ કાંતીભાઇ પરમારની ધરપકડ કરી અન્ય હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:46 am IST)