Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અમરેલી પાલિકાની ૪૪ બેઠકો માટે ૧૩૩ ઉમેદવારો મેદાનમાં: સ્મૃતિ ઇરાનીની ઉપસ્થિતીમાં નારાજ કાર્યકરો ભાજપમાં જોડાશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૬: અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્રો રદ કરવાના દિવસે ડમી સહિતના ૪૭ ઉમેદવારીપત્રો રદ થયા હતા હવે અમરેલી પાલિકાની ૪૪ બેઠકો માટે ૧૩૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતીમ દિવસ છે.

અમરેલી પાલિકાના જંગમાં ભાજપના ૪૪ કોંગ્રેસના ૪૪ ઉમેદવારો ઉપરાંત આપે ૨૬ ઉમેદવારો ઉભા રાખ્યા છે અને એનસીપી ૧૩ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા છે જયારે શહેરના વોર્ડ નં.૧૦ અને ૨ માં એક એક અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે.

દરમિયાન અમરેલી શહેરના મહીલા કોંગ્રેસ પ્રમુખ માધવીબેન જોષીએ પક્ષથી નારાજ થઇને રાજીનામુ ધરી દીધુ છે અને આવા નારાજ કાર્યકરો કેન્દ્રિય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીની ઉપસ્થિતીમાં ભાજપમાં જોડાઇ જશે.

જીલ્લા પંચાયત

અમરેલી જિલ્લા પંચાયતની ૩૪ બેઠકમાંથી ૧૬ બેઠક ઉપર માત્ર ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારો વચ્ચે લડાઇ થવાની છે આજે ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન અમરેલી જિલ્લા પંચાયતમાં ૪૬ ફોર્મ રદ થતા ૧૩૯માંથી હવે ૯૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે ભાજપ અને કોંગ્રેસના ૩૪/૩૪ તથા ૧૭ બેઠકો ઉપર આપ, ૪ અપક્ષો, ૨ એનસીપી, ૧ બસપાના ઉમેદવારના ફોર્મ જિલ્લા પંચાયતમાં માન્ય રહ્યા છે.

૬૩ ફોર્મ રદ

અમરેલી જિલ્લાની પાંચ પાલિકાઓના ૬૩ ફોર્મ રદ થયા હતા જો કે બગસરામાં એક પણ ઉમેદવારીપત્ર રદ થયું ન હતુ અમરેલીમાં ૪૭, બાબરામાં ૮ દામનગરમાં ૨ અને કુંડલામાં ૬ ઉમેદવારીપત્રો રદ થયા હતા અને અમરેલી ૧૩૩, બાબરા ૬૨, બગસરા ૮૭, દામનગર ૮૩ અને કુંડલા ૧૧૧ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

(12:57 pm IST)