Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પીપાવાવ ધામના લડાયક મહિલા સરપંચને ફરી હોદ્દા પર પૂનઃ સ્થાપિત કરવા વિકાસ કમિશ્નર દ્વારા હુકમ

રાજુલા, તા.૧૬: તાલુકાના પીપાવાવ ધામનાં સરપંચ હંસાબેન ભાણાભાઈ ગુજરીયા બે વર્ષ અગાઉ રાજુલા પ્રાંત કચેરી સામે ૭૬ દિવસ સુધી ગામના હિત માટે ઉપવાસ આંદોલન તથા આમરણાંત ઉપવાસ સહિતના આંદોલન કરી ભૂમાફિયાઓ દ્વારા કરેલ બિનકાયદેસર દબાણો દૂર કરાવ્યા હતા તેમજ ખાનગી કંપની સામે  હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરી હતી ત્યારે આંદોલન દરમિયાન જ સરપંચ સામે નનામી અરજી વનાભાઈ કથડભાઈ ગુજરીયા નામની પીપાવાવ ગામમાં ના રહેતી વ્યકિતનાં નામે કરવામાં આવી હતી આંદોલન સમયે સસ્પેન્ડ માટે રાજકીય વગ ધરાવતા લોકો અને ખાનગી કંપનીઓનાં ઈશારે ષડયંત્ર રચાયું હતું અને તેમનાં રેકર્ડ ની તપાસ તાત્કાલિક સરપંચને જાણ કર્યા વગર જ અને પ્રાંત અધિકારીને મળેલી એક નનામી અરજી નાં આધારે જ તાલુકા વિકાસ અધિકારી શ્રી ને આ અરજી મોકલી તપાસ કરવા આદેશ આપવામાં આવેલાં હતાં તે સમયે સરપંચ આંદોલનમાં હોવાનાં કારણે બિલ રજૂ કરવામાં શરતચૂક થયેલ તથા આંદોલન સમયે મજૂરોને નાણાં ચૂકવવા નાં બાકી હોવા નાં કારણે પતિ-પુત્ર નાં નામે ચેક કાઢેલા પરંતુ મજૂરો ને ચુકવવામાં આવેલાં નાણાં નો હિસાબ ગ્રામ પંચાયત નાં રેકર્ડ પર જ હતો અને જે-તે સમયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ સુનાવણી માટે હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવેલી તે સમયે બંને તારીખે સરપંચે પોતાનો જવાબ રજૂ કરેલ પરંતુ અરજી કરનાર વ્યકિત એકપણ તારીખે હાજર ના રહેલ.

આ બંને તારીખની સુનાવણી બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમરેલીએ આખરે ૨૭મે ૨૦૨૦નાં રોજ પીપાવાવ સરપંચને હોદ્દા પરથી દૂર કરવા માટે હુકમ કર્યો હતો મહિલા સરપંચ તરીકે શરતચૂકથી વાઉચર અરજી સાથે જોડવાના રહી જતાં આખરે લોક હિત અને ગ્રામજનો નાં હક્ક માટે લડતા લડાયક સરપંચ ને સસ્પેન્ડ થતાં જિલ્લા નાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યારે આ મહિલા સરપંચ દ્વારા અધિક વિકાસ અધિકારી ગાંધીનગર ખાતે અપીલ દાખલ કરી હતી અને તેમાં સરપંચ પદે પુનઃસ્થાપિત કરવા માટે હુકમ કર્યો હતો ત્યારે આ વિસ્તારના એક મજબૂત અને લડાયક સરપંચ ને ફરી હોદ્દા પર પૂનઃ સ્થાપિત થતાં ગ્રામજનોમાં પણ હર્ષ ની લાગણી વ્યાપી ગઈ હતી.

(12:58 pm IST)