Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પોરબંદરમાં મેડીકલ વેસ્ટ પ્લાન્ટના ઇન્સીનરેટરનું ઉદઘાટન

 પોરબંદર : માનવ સેવા ચેરી. ટ્રસ્ટ સંચાલીત બાયો મેડીકલ વેસ્ટ પ્લાન્ટના માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નવી ગાઇડ લાઇન મુજબ નવુ ઇન્સીનરેટર વસાવવાની જરૂરત ઉભી થતા રૂ.૪૦ લાખ જેવી માતબર રકમ ખર્ચ આવી પડતા દાતાઓના આર્થિક સહયોગથી નવા ઇન્સીનરેટર સાથે જરૂરી ઇન્ફ્રાસ્ટર તૈયાર કરેલ જેનુ ઉદઘાટન ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના હસ્તે કરવામાં આવેલ હતુ. સમારંભની શરૂઆત માનવ સેવા ચેરી. ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઇ કારીયાના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી. તેમણે સૌ આમંત્રીત મહેમાનોનું ઉમળકા સાથે સ્વાગત કર્યુ. પોતાની પ્રસ્તાવનામાં તેમણે જણાવ્યું કે, વિદ્યુત સ્મશાન ભઠ્ઠી છેલ્લા રપ વર્ષથી નિઃશુલ્ક ચલાવવામાં આવે છે. ૧૯૯૬માં ટ્રસ્ટની રચના થઇ ત્યારે રૂ.૧૦નુ પણ દાન હિન્દુ વિદ્યુત ભઠ્ઠીનો ખર્ચ વહન કરવા માટે સ્વીકારવામાં આવતુ પરંતુ ટ્રસ્ટ દ્વારા બાયોમેડીકલ વેસ્ટ પ્લાન્ટની સ્થાપના કર્યા બાદ વિદ્યુત સ્મશાન ભઠ્ઠી અને તેના ખર્ચને પહોચી વળે છે. અતિથિ વિશેષ પદે ઉપસ્થિત બાબુભાઇ બોખીરીયાનુ પુષ્પગુચ્છથી સ્વાગત અનિલભાઇ કારીયાએ કર્યુ. મંચસ્થ મહેમાનો જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા, આઇએમએના પ્રમુખ ડો.મલકાણ અને વડીલ પદુભાઇ રાયચુરાનુ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ. પ્રોજેકટ ચેરમેન મુકેશભાઇ ઠકકર દ્વારા નવા ઇન્સીનરેટર વિશેની ટેકનીકલ માહિતી વિગતે આપવામાં આવી હતી.આઇએમએ એશો.ના પ્રમુખ ડો.મલકાણએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું કે, માનવ સેવા ચેરી.ટ્રસ્ટનો પ્લાન્ટ કાર્યરત થયો તે પહેલા આપણા વિસ્તારના ડોકટરશ્રીઓ પોતાનો વેસ્ટ રાજકોટ અને પછીથી જામનગર મોકલતા હતા કે જે ખૂબ જ મુશ્કેલભર્યુ હતુ.માનવ સેવા ચેરી.ટ્રસ્ટ દ્વારા તેના ટ્રસ્ટી મંડળના અવિરત પ્રયાસોથી છેલ્લા રપ વર્ષથી વિદ્યુત સ્મશાન ભઠ્ઠીની જે સેવા આપવામાં આવી રહી છે. તે આપણા શહેર માટે આશિર્વાદ સમાન અને પ્રસંશનીય કાર્ય છે તેમ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં બોલતા જણાવ્યું. સરજુભાઇ કારીયા, પંકજભાઇ મજીઠીયા, સાગરભાઇ મોદી અને ડોકટર્સ મિત્રો માંથી ડો.જાડેજા, ડો.પારવાણી, ડો.રણજીતભાઇ લાખાણી, ડો.ગોહિલ, ડો.ગઢવી, ડો.જનાર્દનભાઇ જોશી, ડો.ભરતભાઇ લાખાણી, વગેરે ઉપસ્થિત રહેલા હતા. સામાજીકક્ષેત્ર કાર્યરત મણીલાલભાઇ કોટેચા, ભરતભાઇ રાજાણી, રાજુભાઇ બુધ્ધદેવ, લખુભાઇ હિંડોચા, મોહનભાઇ લાખાણી પણ ઉપસ્થિત રહેલ હતા. આ સર્વેને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારેલા હતા. આ ઉપરાંત ઇન્સીનરેટર સપ્લાય કરનાર પાર્ટી મે.મણીકાંતા ઇન્ફોટેકના વાસુદેવભાઇ, પ્લાન્ટ મેનેજર વિજયભાઇ મોઢા, પ્લાન્ટમાં ઓપરેટર રાજેશ બામણીયા તેવી જ રીતે ધર્મેશભાઇ સામાણી અને સીવીલ, મીકેનીકલ અને ઇલેકટ્રીકલ કામો કરનાર કારીગરોને પણ પુષ્પગુચ્છ આપી બિરદાવ્યા. પદુભાઇ રાયચુરાએ વિદ્યુત સ્મશાન ભઠ્ઠી અને આ પ્લાન્ટ સ્થાપવામાં મહત્વનું યોગદાન આપનાર સ્વ.નટુભાઇ થાનકીને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી ઉપપ્રમુખ જતીનભાઇ હાથીએ આભારવિધિ સંપન્ન કરી કાર્યનું સંચાલન વિજયભાઇ મોઢાએ કર્યુ. આખરે જે શુભ ઘડીની રાહ જોવાઇ રહી હતી તે નવા પ્લાન્ટની ઉદઘાટન વિધિ લોકલાડીલા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના હસ્તે રીબીન કાપી કરવામાં આવેલ. ઇન્સીનરેટરના ઉદઘાટન કાર્યક્રમની તસ્વીર.

(1:01 pm IST)