Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મોરબીમાં કોંગ્રેસના નેતા ઉપર આઠ લોકોના જીવલેણ હુમલામાં ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : મોરબીના તાલુકા સેવા સદન ખાતે ફોર્મ ચકાસણી સમયે ભાજપ અને કોંગ્રેસ નેતા વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને છુટા હાથની મારામારી થવા પામી હતી જે ઘટના હજુ તો શમી ના હોય ત્યારે સાંજે કોંગ્રેસ નેતાના ઘર પર આઠથી દસ શખ્શોએ હથિયાર સાથે હુમલો કરી કોંગ્રેસ નેતા ઉપરાંત તેના ભાઈને માર માર્યો હતો અને બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના વાવડી રોડ પર આવેલ સંજીવ સોસાયટીમાં રહેતા હરિભાઈ નરશીભાઈ લાડવાએ ફરિયાદ નોંધાવી છે કે તે પોતે તથા તેના ભાઈ કર્નલ(કોંગ્રેસ નેતા)ને મોરબી સેવા સદન ખાતે દેવાભાઈ અવાડિયા (ભાજપ નેતા)સાથે બોલાચાલી તેમજ માથાકૂટ થયેલ જે બાબતનું ઘરમેળે અને રાજી ખુશીથી સમાધાન થઇ ગયેલ હોય જેનો ખાર રાખી આરોપી દેવાભાઈ અવાડીયાનો ભત્રીજો,ઇમરાન જેડા અને અન્ય છ અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકા, લોખંડના પાઈપ ધારણ કરી ફરિયાદી હરિભાઈ લાડવાના ઘરે આવી ફરિયાદી હરિભાઈ લાડવા તથા સાહેદ કર્નલ લાડવાને હાથે પગે ફેકચર જેવી ઈજાઓ કરી તેમજ શરીરે મુંઢ માર મારી માથામાં ગંભીર ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે કે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ બી પી સોનારા ચલાવી રહ્યા છે.

(1:02 pm IST)