Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રામકથારૂપી રોટી દ્વારા આધ્યાત્મિક ક્ષુધાને તૃપ્ત કરે છે : પૂ. રમેશભાઇ ઓઝા

પોરબંદર શ્રી હરિમંદિરે રામકથામાં રામ જન્મોત્સવની ઉજવણી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૬: જેમ ભાગવત એ ભગવાન શ્રીકૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે તેમ રામાયણ એ ભગવાન શ્રીરામનું વાંગ્મય સ્વરૂપ છે. આપણે તો અન્નને પણ બ્રહ્મની ઉપમા અપાઇ છે. માટે જ આપણે ત્યાં રામરોટી શબ્દ છે.અહીં તો રામકથારૂપી રોટી છે. તેમાં ભારતના રામપ્રેમરૂપી પીયુષ -અમૃત વગર આવી રોટી શકય ન બને અર્થાત તૃપ્તિ ન આવે. એ જ રીતે રામકથારૂપી રોટી દ્વારા આધ્યાત્મિક ક્ષુધાને તૃપ્ત કરે છે એમ રાષ્ટ્રીય સંત પૂજયભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ રામકથાનાં ત્રિજા દિવસે, સોમવારે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે.

પૂજ્ય ભાઇ રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ -વર્ષ તા. ૨૧ સુધી દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃતિઓ સાથે શરૂ થયેલ છે. આ વર્ષે કોવિડ -૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઇને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતીમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાઇ રહ્યો છે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાટોત્સવ -દર્શનમાં જોડાયા છે. કથાના મુખ્ય મનોરથી શ્રીમતી જયોત્સનાબેન તથા વજુભાઇ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરૂભાઇ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન -યુ.કે. છે. આ સંપૂર્ણ કથાનું લાઇવ ટેલિકાસ્ટ સાંદીપની ટીવી સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લેફોર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી ૩:૩૦થી થશે.

પૂજયભાઇશ્રીએ જણાવ્યું કે ભરતનું જીવન પણ સમુદ્ર જેવું ગંભીર છે. ભીતરથી ગંભીર છે. લક્ષ્મણજીનો રામપ્રેમ સૌને દેખાવો હતો. પરંતુ ભરતજીનો રામપ્રેમ સૌને દેખાતો ન હોતો. ભરતજીના ગુપ્તપ્રેમને પ્રગટ કરવા માટે મંથન જરૂર છે. કેમ કે સમુદ્ર અગાધ છે. લક્ષ્મણજીનું વ્યકિતત્વ આકાશરૂપ છે. જ્યાં ત્યાગ -સમર્પણની ઉંચાઇ છે તો ભરતજીનું વ્યકિતત્વ ઉદધિ જેવુ, ઉડાણ છે. પ્રેમમાં ઉંડાણ છે. ધીર -ગંભીર છે ભરતજી સમાજથી જરા અલગ ચાલે છે.  તુલસીદાસજી કહે છે જો ત્રણ વસ્તુ નહી હોય તો કથા ભલે સાંભળી લીધી પરંતુ સમજાશે નહીં. એક શ્રધ્ધાનું સંબલ, બીજી સંતોનો સાથ અને ત્રીજી શ્રી રામ ચરણોમાં પ્રેમ.

કથામાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા રામ જન્મોત્સવ હર્ષોલ્લાસ તેમજ ઉમંગ સાથે ઉજવાયો હતો અને એ સાથે જ શ્રીરામ જન્મોત્સવ પ્રસંગે દેશ-વિદેશના ભકતો ઝુમ-રૂમમાં ઉપસ્થિત રહીને પોતાના ઘરે ઘરે ઠાકોરજીને શણગાર કર્યા હતા. અને રામ જન્મોત્સવની ઉજવણી કરી હતી. શ્રીરામ જન્મોત્સવ પ્રસંગે કથાના અંતે શ્રીરામ જન્મની દિવ્ય ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી.

(1:03 pm IST)