Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સોમનાથ રામ મંદિર યાત્રાની ગંગોત્રી છે તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગૌમુખ છે : પૂ. ગોવિંદદેવગીરીજી મહારાજ

સ્વામિનારાયણ મંદિર અમદાવાદ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નિધિ સમર્પણ સમારોહ : રૂ.૧૧,૧૧,૧૧૧ નો ચેક અર્પણ

રાજકોટ : ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણાધિન મંદિરની નિધિ સમર્પણ માટે પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સમારોહનું આયોજન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદ ખાતે થયું હતું. જેમાં શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી તેમજ કોષાધ્યક્ષ પૂ.શ્રી ગોવિંદદેવગીરીજી મહારાજે ખાસ પધારીને આશીર્વચન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે 'જે સ્થાનથી રામશિલાના પૂજન સાથે પૂજય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે મંદિર-નિર્માણની શિલાના પૂજનનો આરંભ થયો હતો એ સ્થાનમાં આજે પુનઃ રામમંદિર માટે એકત્રિત થયા છીએ ત્યારે એટલું કહીશ કે રામમંદિરની યાત્રાનો પ્રારંભ ભગવાન સોમનાથના મંદિરથી થયો હતો. એટલે તેને રામમંદિરની યાત્રાની ગંગોત્રી કહીએ, અને આ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને તેનું ગૌમુખ કહેવું જોઈએ. અહીંથી આપણને બધાને પ્રેરણા આપતી ધારા વહી છે. આ દેશને જે પ્રકારના પુરુષાર્થની આવશ્યકતા છે, જે પ્રકારના ત્યાગની આવશ્યકતા છે, જે પ્રકારના પુરુષાર્થરત જીવન સાથે ભારતમાતાની સેવાની આવશ્યકતા છે એ તમામ બાબતો આ સંપ્રદાયે એક ઉચિત આદર્શ સાથે આપણી સમક્ષ મૂકી છે. લોકોને એમ લાગે કે સાધુઓ શું કરી શકે? પરંતુ આ સંતોએ જે કાર્ય કર્યું છે એ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમાં પણ મંદિરનિર્માણનો રેકોર્ડ અદભુત છે. પૂ. પ્રમુખસ્વામી મહારાજના અંતઃકરણની તીવ્ર ભાવના હતી કે જન્મભૂમિ પર રામનું મંદિર ભવ્ય બનવું જોઈએ.  ત્યારે લાંબા સંઘર્ષ પછી તેના નિર્માણનો આરંભ થઈ રહ્યો છે. ભગવાન શ્રીરામચંદ્રજી આત્મનિર્ભર હતા. તમામ સદગુણોના મૂર્તિમંત સ્વરૂપ હતા. એમનું આ મંદિર સ્થપાય છે ત્યારે તેમના દિવ્ય ગુણોનો ભાવ સમગ્ર દેશમાં જાગશે. આ દેશ માત્ર સોનાની ચીડીયા નહીં, પરંતુ સોનાનો સિંહ બનીને વિશ્વ સમક્ષ પરાક્રમોનું દર્શન કરાવશે. જેનો આરંભ સંતોના હસ્તે થયો હોય એ કાર્ય શ્રેષ્ઠ જ થાય. આથી મંદિરની સાથે સાથે તમામ એશિયાઈ દેશોમાં પણ રામનો સંબંધ જાગ્રત કરીશું. ત્યાં લોકો સાથે સંપર્ક કરીને એમને વિશ્વાસ અપાવીશું કે રામ તમારા પણ છે. એ લોકો અયોધ્યાની યાત્રાએ આવશે અને તેમને પણ ગૌરવ જાગશે. આ મંદિરના નિર્માણ સાથે અયોધ્યા ધ કલ્ચરલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ એટલે કે વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનશે, વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવના જાગશે, ભારત એક સમર્થ રાષ્ટ્ર પણ બનશે, ભારતનું આ સામર્થ્ય વિશ્વ પર આક્રમણ કરવા માટે નહીં, પરંતુ વિશ્વનું મંગલ કરવાના કામમાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે 'વર્ષો પહેલાં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કરેલું અને ત્યારે આશીર્વાદ આપેલા ત્યારથી સતત પ્રમુખસ્વામી મહારાજથી માંડીને મહંત સ્વામી મહારાજ આ મંદિરના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. તેમણે દુનિયાભરમાં અનેક મંદિરો, શ્રેષ્ઠ મંદિરો બનાવ્યા છે, તે અનુભવ-દ્રષ્ટિનો લાભ આ મંદિરમાં પણ મળશે. આપણે સૌ ઇચ્છીએ જલદી મંદિર બને. આપણે સાક્ષી બન્યા છીએ એ  આપણા બધા માટે આનંદની વાત છે. આ પ્રસંગે રામમંદિરના નિર્માણ માટે નિધિમાં રૂપિયા ૨,૧૧,૧૧,૧૧૧ નો ચેક બી.એ.પી.એસ. સંસ્થા વતી પૂ. શ્રી ગોવિંદદેવગિરિજી મહારાજ અને મુખ્યમંત્રીશ્રીને આપીને આશીર્વચન ઉચ્ચારતાં સદગુરુ ઈશ્વરચરણદાસ સ્વામીએ જણાવ્યું હતું કે સન ૧૯૬૮ માં યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સહિત અમે સૌ રામજન્મભૂમિ પર રામલલ્લા સમક્ષ ધૂન કરી હતી, એ આજે યાદ આવે છે. ત્યારપછી પણ પૂજય પ્રમુખસ્વામી મહારાજે વારંવાર રામજન્મભૂમિની યાત્રા કરીને પ્રાર્થના અને પુરુષાર્થ કર્યા છે, તેનું આજે સ્મરણ થાય છે. લાખો સંતો-ભકતોની તપસ્યા અને બલિદાન સાકાર થઈ રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ અને આનુષંગિક વ્યવસ્થાઓ સાથે ૧૫૦ નિમંત્રિતો-સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં ભગવાન શ્રીરામચંદ્રજીની સ્તુતિ પૂર્વક વંદના કરવામાં આવી હતી. સમારોહના મંચ પર શ્રીરામમંદિર નિધિ સમર્પણ સમિતિ, ગુજરાતના અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત હતા. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની રામમંદિર સાથેની જૂની અનેક સ્મૃતિઓને વીડિયોના માધ્યમથી સૌએ માણી હતી.

(3:59 pm IST)