Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ચોબારી ગામના જયદિપ ગોંડલીયા પર માંડા ડુંગર પાસે પાટલાસાસુ, સાઢુ, સાળાનો હુમલોઃ પગ-હાથમાં ફ્રેકચર

પત્નિ હાલ બહેન-બનેવીના ઘરે હોઇ તેને એકટીવા આપવા આવતાં ઝઘડો થયો ને ધોકાવાળી થઇ

રાજકોટ તા. ૧૬: ચોટીલાના ચોબારી ગામે રહેતાં અને રાજકોટ કન્ટ્રકશન સાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં યુવાનને માંડા ડુંગર પાસે પત્નિ તેના બહેન-બનેવીના ઘરે હોઇ તેણીને એકટીવા આપવા ગયો ત્યારે સાઢુ, પાટલા સાસુ, સાળા સહિતે ઝઘડો કરી

બનાવમાં આજીડેમ પોલીસે ચોટીલાના ચોબારી ગામે રહેતાં અને મજૂરી કરતાં જયદિપ યોગેશભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી વિલાસ પાટીલ, રીયા વિલાસ પાટીલ, તરૂણ વિષ્ણુરામ પાટીલ અને ભાવીન ગોંડલીયા સામે ગુનો નોંધ્યો છે.

યોગેશે ફરિયાદમાં જણાવ્યું હતું કે હું રૈયા રોડ પર પ્રમુખ ઓડિટોરીયમ સામે કન્ટ્રકશન કામના સુપર વાઇઝર તરીકે કામ કરુ છું. મારા લગ્ન આઠ વર્ષ પહેલા વિષ્ણુરામ કાપડીની દિકરી કાશ્મીરા સાથે થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. મારા પત્નિ નોંધણી ભવન ખાતે કલાર્ક તરીકે નોકરી કરતાં હોવાથી મારો પુત્ર મારા માતા-પિતા સાથે બહારગામ રહે છે.

ગુરૂવારે ૧૫મીએ મારા સાઢુભાઇ વિલાસને ફોન કરીને તમે કયાં છો? મારે મારા પત્નિનું એકટીવા તમને આપવાનું છે તેમ કહેતાં સાઢુએ પોતે માંડા ડુંગર પાસે કિરણ સોસાયટીમાં હોવાનું કહેતાં હું ચોબારી ગામેથી એકટીવા દેવા આવ્યો હતો. મારે પત્નિ સાથે બે વર્ષથી ઝઘડો ચાલુ હોઇ અને તે અવાર-નવાર મારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કરતી રહે છે. મારા પાટલા સાસુ રીનાબેન, તેના પતિ વિલાસ મારા પત્નિને અવાર-નવાર તેડી જાય છે.

મારા પત્નિ નોકરીએ જાય ત્યારે મારો સાઢુ તેણીને તેની ગાડી પાછળ બેસાડીને તેડવા મુકવા જાય છે. જેથી મેં તેને ના પાડેલી કે મારા પત્નિને આ રીતે ગાઢીમાં બેસાડવા નહિ. દરમિયાન હું ગુરૂવારે બપોરે પત્નિને એકટીવા આપવા સાઢુના ઘર પાસે પહોંચ્યો અને સાઢુને ચાવી આપી હતી. ત્યાં મારા પાટલા સાસુ રીના આવેલ અને કહેલું કે હવે તમારી પત્નિ કાશ્મીરા ત્યાં નહિ આવે. આથી મેં તેને કહેલ કે મારી પત્નિ મારી સાથે જ રહેશે. આથી ઝઘડો થતાં રીના, વિલાસે ઉશ્કેરાઇ જઇ મને ધોકાથી માર મારેલ. ડાબા પગ અને જમણા હાથની આંગળીમાં ફ્રેકચર થઇ ગયું હતું. મારો સાળો તરૂણ અને તરૂણનો મિત્ર ભાવીન આવી જતાં એ બંનેને પણ માર માર્યો હતો. લોકો ભેગા થઇ જતાં મને કોઇએ મદદ કરતાં રિક્ષા મારફત હોસ્પિટલે પહોંચ્યો હતો.

હેડકોન્સ. સવજીભાઇ બાલાસરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:06 pm IST)