Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

જેતપુરમાં સરકારી હોસ્પિટલ અને હિરપરા કન્યા છાત્રાલયમાં કોવીડ કેર સેન્ટર શરૂ કરાશે: વેપાર ધંધા સોમથી શુક્રવાર સુધી સવારના 8 થી 2 અને શનિ- રવિ સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય

જેતપુર :જેતપુરમાં આજે મંત્રી જયેશભાઇ રાદડીયાની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં શહેરમાં સરકારી હોસ્પીટલમાં તેમજ હિરપરા કન્યા છાત્રાલયમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે તેમજ શહેરના વેપાર ધંધા સોમથી શુક્રવાર સુધી સવારના આઠથી ૨ વાગ્યા સુધી અને શનિ- રવિ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય વેપારી મંડળ દ્વારા લેવામાં આવ્યો.

 કોરોનાની બીજી લહેરે માઝા મૂકી છે એક ઘર એવું નહિ હોય કે તેનો કોઈ સભ્ય સંક્રમણનો ભોગ ન બન્યા હોય, ત્યારે ઔદ્યોગિક શહેર જેતપુર કે જ્યાં સવા બે લાખની વસ્તી ઉપરાંત ચાલીસથી પચાસ હજાર જેટલા પરપ્રાંતીય કારીગરો પણ વસવાટ કરે છે. ત્યાં એ ગ્રેડની સરકારી હોસ્પીટલ છે પણ કોરોના માટેની કોઈ સુવિધા નથી. જેથી કરીને સંક્રમણનો ભોગ બનેલ શહેરનો મધ્યમ તેમજ ગરીબ વર્ગ આર્થિક રીતે ખાનગી હોસ્પીટલોના બિલ ભરીને ખુવાર થઈ ગયો. એટલે કે ખાનગી હોસ્પીટલોએ લૂંટવાનું કઈ બાકી રાખ્યું નથી. એટલે શહેરમાંથી એક અવાજ ઉઠ્યો હતો કે જેતપુરની સરકારી હોસ્પીટલ અથવા તો બીજે ગમે ત્યાં એક કોવિડ હોસ્પીટલ શરું કરવામાં આવે. 
 શહેરીજનોની પ્રચંડ માંગણીના કારણે આજે કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા દ્વારા આરોગ્ય શાખાના અધિકારીઓ તેમજ શહેરના આગેવાનો સાથે તાત્કાલિક એક બેઠક બોલાવી હતી. જેમાં શહેરની સરકારી હોસ્પીટલ ખાતે વિસ બેડની તેમજ ધોરાજી રોડ પર આવેલ સરદાર પટેલ કેળવણી મંડલ સંચાલિત હિરપરા કન્યા છાત્રાલય ખાતે સરકાર કેટલો મેડિકલ સ્ટાફ આપે છે તે મુજબના બેડની સુવિધાવાળી સરકારી કોવિડ કેર સેન્ટર  શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં કન્યા છાત્રાલય ખાતે આગામી છત્રીસ કલાકમાં તેમજ સરકારી હોસ્પીટલ ખાતે એક અઠવાડિયા સુધીમાં કોવિડ કેર સેન્ટર શરૂ થઈ જશે.
  જ્યારે શહેરના વેપારી મંડળ સાથે બેઠકના અંતે શહેરના વેપાર ધંધા સોમથી શુક્રવાર સુધી સવારના આઠથી ૨ વાગ્યા સુધી અને શનિ- રવિ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય વેપારી મંડળ દ્વારા લેવામાં આવ્યો હતો. અને આ અંગેની જાણ અન્ય વેપારી મંડળોને કરી દેવામાં આવી હતી. જ્યારે જેતપુર માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા ૧૭ થી૨૫ તારીખ સુધી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. યાર્ડમાં નવ દિવસ સુધી હરારજી જ બંધ રહેવાની હોવાથી કોઈ ખેડૂતો પોતાની જણશી લઈ યાર્ડ ન આવવા અપીલ કરી હતી.

(9:01 pm IST)