Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

મોરબીના નવલખી બંદરે 4 નંબરનું ભયસૂચક સિગ્નલ : 50 થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો : નવલખી પોર્ટ તંત્ર હાઇએલર્ટ

મોરબી : અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ વાવાઝોડું તૌકતે ધીમે-ધીમે સૌરાષ્ટ્ર કચ્છ તરફ આગળ ધપી રહ્યું છે. જેની અસર રૂપે 50 થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તેજ પવન ફૂંકાતા હાલ મોરબીના નવલખી બંદરે 4 નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું છે.
મોરબીના નવલખી બંદરના કેપ્ટન કુલદીપસિંહે જણાવ્યું હતું કે, હાલ વાવાઝોડા તૌકતેની અસરને કારણે દરિયામાં કરંટ જોવા મળવાની સાથે જ 50 થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા હાલમાં બંદર ઉપર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
વધુમાં તેમને ઉમેર્યું હતું કે, વાવાઝોડું જ્યારે દરિયાકાંઠે લેન્ડ થશે ત્યારબાદ અસર ઓછી થશે અને વાવાઝોડા તૌકતેની અસરતળે મોરબી દરિયાકાંઠા વિસ્તારમાં અંદાજે 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના વ્યક્ત કરી હતી. હાલમાં નવલખી બંદર અને મોરબી જીએમબી ઓફીસ ખાતે રાઉન્ડ ધ ક્લોક કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત હોવાનું તેમને ઉમેર્યું હતું.

(10:12 pm IST)