Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

મોરબી જિલ્લામાં વાવાઝોડાને પગલે 30 એસટી બસ સ્ટેન્ડબાય રખાઈ: લોકલ છ રૂટ બે દિવસ માટે બંધ કરી પાંચ-પાંચ ડ્રાઇવર કન્ડક્ટર સ્પેર ડયુટી : ત્રણ ટીસી કન્ટ્રોલ પોઇન્ટ ઉપર ખડેપગે

મોરબી : સંભવિત તૌકતે વાવાઝોડાને પગલે મોરબી એસટી ડિવિઝન દ્વારા 30 એસટી બસને ઇમરજન્સી માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલમાં લોકલ રૂટ બંધ કરી દઈ પાંચ – પાંચ ડ્રાઇવર કન્ડક્ટરને સ્પેર ડયુટી સોંપવામાં આવી છે અને ત્રણ ટીસીને કન્ટ્રોલ પોઇન્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક ફરજ સોંપવામાં આવી છે.
મોરબી વિભાગીય એસટી ડિવિઝન દ્વારા તૌકતે વાવાઝોડાને પગલે તા.17 અને 18 ના રોજ લોકલ રૂટ બંધ કરી દઈ આ રૂટના પાંચ – પાંચ ડ્રાઇવર અને કન્ડક્ટરને ઇમરજન્સી માટે સ્પેર ડ્યુટીમાં રાખી ટીસીને રાઉન્ડ ધ ક્લોક ડેપો ઉપર ફરજ સોંપવામાં આવી હોવાનું ડેપો મેનેજર દ્વારા જણાવાયું છે.
વધુમાં લાંબા દાહોદ, ગોધરા, અંબાજી અને વેરાવળ રૂટમાં ચાલતી એક્સપ્રેસ બસના ડ્રાઇવર કન્ડક્ટરને પણ જોખમી પરિસ્થિતિ જણાયે નજીકના ડેપોમાં બસ થંભાવી દેવા સૂચના આપી દેવામાં આવી છે. આમ, વાવાઝોડાની સંભાવનાને પગલે મોરબી એસટી તંત્ર હાલ સજ્જ બન્યું છે.

(10:14 pm IST)