Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સવારે વાદળા બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ યથાવતઃ ખંભાળીયામાં અડધો ઇંચ

ગોંડલમાં મેઘરાજાને આવકારવા મોર-ઢેલના ટહુકા :.. ગોંડલ : સૌરાષ્ટ્રમાં ચોમાસુ નજીક આવતા ઢેલ દેખાવા લાગી પોતે પણ વરસાદની રાહ જોતી હોય તેમ ગોંડલના અલખના ઓટલા પાસે છાત્રાલય પર વહેલી સવારના કબુતર સાથે નજરે પડે છે. વરસાદ આવે ને હુ કયારે મારા મધુર મીઠા ટહુકા કરૂ... મેહુલીયાની ધરતીપુત્રો પણ રાહ જોઇ રહ્યા છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી)

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે વાદળછાયુ વાતાવરણ છવાયા બાદ અસહ્ય ઉકળાટ યથાવત છે.

રાજકોટમાં આજે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. જો કે સૌરાષ્ટ્ર-કચ્છમાં અન્યત્ર ધુપ-છાંવનો માહોલ યથાવત છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગિર-સોમનાથ સહિતના સ્થળો પર ઝાપટા પડવાની આગાહી કરતા જણાવેલ છે કે ગુજરાતમાં ચોમાસુ ૧૮ તારીખના રોજ ફરી વેગવંતુ બની શકે છે.

આમ તો ૧પ જુનથી ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ મેઘરાજાની પધરામણીની શકયતા અત્યારે ઓછી જોવા મળે છે. એવામાં દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ઝાપટા પડયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી, લઘુતમ ર૮.૬ ડીગ્રી, હવામાન ભેજ ૭૭ ટકા અને પવનની ઝડપ ૧૪.૪ કિ. મી. પ્રતિ કલાક રહી હતી.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : ગઇકાલે રાત્રે ખંભાળીયા શહેરમાં ભારે ગરમી અને બફારા પછી રાત્રે ત્રણેક વાગ્યે મેઘરાજાનું આગમન થયું હતું તથા રામનાથ સોસાયટી, એસ. એન. ડી. ટી. શાખા સહિતના કેટલાક વિસ્તારોમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડતા અહીં મહાદેવવાડી વિસ્તારમાં તો પાણી ભરાઇ જતાં લોકોને ગંદા પાણીમાં થઇને દર્શન કરવા જવું પડે તેવી સ્થિતિ થઇ હતી.

જો કે જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક સાધતા તેમણે જિલ્લામાં એકપણ તાલુકામાં વરસાદ નહીં નોંધાયાનું જણાવ્યું હતું જયારે માત્ર ખંભાળીયાના જ અમુક વિસ્તારોમાં વરસાદ પડયો હતો તે આશ્ચર્યજનક છે તો વીજ પ્રવાહો પણ ચાલી ગયો હતો.

(11:31 am IST)