Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ 'યોગ ફોર હયુમેનિટી' યોગથી પરિવાર અને સમાજનું સ્વાસ્થ્ય મજબૂત બને છે : ડો.નીમાબેન આચાર્ય

આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગ વિથ મેડિકલ સાયન્સ સેમિનારને ખુલ્લો મુકાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વિશ્વમાં ૨૧મી જુને મનાવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૨ ની ઉજવણીના ભાગરૂપે આજરોજ વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે કચ્છ ભુજ ખાતે નિઃશુલ્ક કાયમી કલાસ ચલાવાતા ઉમા યોગ કેન્દ્રના આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે તા.૧૫થી ૨૧મી જુન સુધી ચાલનારા સેમિનારને દિપ પ્રાગટય કરી ખુલ્લો મૂકયો હતો.

યોગ વિથ મેડીકલ સાયન્સ સેમિનારના પ્રારંભ પ્રસંગે અધ્યક્ષાશ્રીએ જણાવ્યું હતું કે, આ વરસે આંતરરાષ્ટ્રીય દિવસની થીમ છે. “માનવતા માટે યોગ” સતત આઠ વરસથી યોગના કાયમી વિનામૂલ્યે ભુજ અને સમગ્ર કચ્છમાં પ્રચાર પ્રસાર થઇ રહયો છે તે પ્રશંસનીય અને આવકારદાયક છે. યોગના મહર્ષિ પતંજલિના યોગને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વિશ્વ ફલક લઇ ગયા છે જેના કારણે ૧૯૦ જેટલાં દેશો સાથે વિશ્વ યોગદિન ઉજવી રહયું છે.

પરિવારના સ્વાસ્થ્યની જવાબદારી મહિલાના શિરે હોય છે ત્યારે પરિવારની હેલ્થ અને ડાયેટ માટે મહિલાઓ યોગ કરે તેમના પગલે ઘરનાં બાળકો અને પરિવારજનો પણ યોગમાં જોડાશે. વડાપ્રધાનશ્રીના પ્રયત્નોના કારણે વિશ્વ સાથે આપણાં સૌ માં યોગની જાગૃતિ વધી છે. આંગણે સોસાયટીમાં ચાલતા યોગ કેન્દ્રોથી પરિવારનું અને સમાજનું સ્વાસ્થ્ય મજબૂત બને છે. યોગને મેડીકલ સાયન્સ પ્રુવ કરે છે અને તેમાં જયારે તબીબો જોડાય તો સમાજમાં તેનો સ્વીકાર વધે છે. પોતાના સ્વાસ્થ્ય માટે દરેકે યોગ નિયમિત કરવો જોઇએ અને તેનો પ્રચાર પ્રસાર કરી સમાજમાં રચનાત્મક કાર્યનો પ્રસાર કરવો જોઇએ.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ આ તકે મનનીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, યોગથી શારીરિક, માનસિક, આધ્યાત્મિક વિકાસ થાય છે.

ઈશ્વરની સમીપ જવાનું માધ્યમ યોગ છે. તમારી સોસાયટીની જેમ નિયમિત ચાલતા યોગ કેન્દ્રથી મનોબળ મજબૂત બને છે. આ ચલાવનારશ્રી કમલ કાન્તભાઇ અને યોગ સાધકો આ માટે અભિનંદનીય છે.

સ્વાગત પ્રવચન કરતાં સંચાલનકર્તા યોગ શિક્ષકશ્રી ભાવનાબેન ઝવેરીએ યોગગુરૂ કમલ કાન્ત ભટૃની બે દસકાથી અપાતી યોગ સેવા અને તેમના સ્વ.પત્ની ઉર્મિલાબેનની યાદમાં છેલ્લા ૮ વર્ષથી પ્રારંભ નિઃશુલ્ક યોગ કેન્દ્ર અને સમગ્ર કચ્છમાં યોગ ભગાડે રોગના મંત્રને સાર્થક કરતા તેમના કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમની આભારવિધિ પણ ભાવનાબેને કરી હતી. આ સેમિનારનું સંચાલન ભાવનાબેન માંકડે કર્યુ હતું.

આ યોગ કેન્દ્રમાં યોગાભ્યાસુઓ સાથે સર્વશ્રી ઉમા યોગ કેન્દ્રના પ્રણેતા શ્રી યોગગુરૂ કમલકાન્ત ભટૃ, યોગ ટીચરશ્રી  ભાવનાબેન ઝવેરી, જિલ્લા અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ અને ડો.મુકેશ ચંદે, માયાબેન ઠકકર તેમજ આ સેમિનારમાં પોતાનું યોગદાન આપનાર ડો.દેવાંશી ગોર, ડો.સારીકા ધોળકીયા, ડો.હેમાલી ચંદે, ડો.ચિંતન ગણાત્રા, ડો.મંથન હિરાણી, લક્ષ્મીબેન પટેલ, દેવરાજભાઇ ગઢવી, બેંકર્સ કોલોનીના સભ્યો, યોગ કલાસમાં આવેલા યોગપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

(9:50 am IST)