Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

હું મારુ રક્ત નિયમિતરૂપે દાન કરીશ: કચ્છમાં સરકારી કર્મચારીઓએ લીધા શપથ

જિલ્લા કલેક્ટર, પશ્ચિમ કચ્છ પોલીસ કચેરી અને એરપોર્ટ ઓથોરિટીના કર્મીઓએ રક્તદાન દિવસે લીધા શપથ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૬

 ‘હું મારુ રક્ત નિયમિતરૂપે દાન કરીશ.' રક્તદાનની આવશ્યકતા વિષે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરીશ. અને જ્યારે પણ કોઈને રક્તની જરૂરિયાત પડશે ત્યારે તમામ ભેદભાવથી મુક્ત થઈને રક્તદાન કરીશ. અને સતત પ્રયત્ન કરીશ કે, રક્તની ઉણપથી મારી આજુબાજુમાં કોઈનું મૃત્યુ ન થાય.’ 

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલની બ્લડબેન્કના ઉપક્રમે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી અને પશ્ચિમ કચ્છ પોલીસ વડાની કચેરી તેમજ એરપોર્ટ ખાતે રક્તદાન સબંધે તમામ કર્મચારીઓએ આ શપથ અંગે પ્રતિજ્ઞા ફોર્મ ભરી તેમજ પ્રતિજ્ઞાનું વાંચન કરી શપથ લીધા હતા. અને નિયમિતરૂપે રકતદાન કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે પશ્ચિમ કચ્છના વડા સૌરભસિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

જી.કે. જનરલ હોસ્પિટલ બ્લડબેંકના હેડ ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કચેરી અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ કચેરીમાં કર્મચારીઓ-અધિકારીઓનું બ્લડ ગૃપિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ભુજ એરપોર્ટ ખાતે પ્રતિજ્ઞાપત્રનું વાંચન રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૨ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. 

એરપોર્ટના ડાયરેક્ટર નવિનચંદ્ર ગુપ્તા, સેંટ્રલ ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સ આસી. કમાન્ડન્ટ પી.કે.મિશ્રાના સહયોગથી એરપોર્ટ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. સ્થાનિક બ્લડબેંકના કાઉન્સેલર દર્શન રાવલે આયોજન કર્યું હતું. રેસિ. ડો. વિશ્વા સુરેજા સાથે હોસ્પિટલના લેબોરેટરી ટેક્નિશિયન્સ તેમજ બ્લડબેંકના કર્મચારીઓ જોડાયા હતા.

(10:01 am IST)