Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ભાટ સિમરોલીના ખેડૂત પરિવારને વ્યાજખોરનો ત્રાસ દૂર કરાવાયો

જૂનાગઢ,તા.૧૬ : કેશોદ તાલુકાના ભાટ સિમરોલી ગામ ખાતે રહેતા એક ખેડૂત ઉંમર લાયક થતા અને માનસિક નબળા બનતા, તેનો યુવાન દીકરો ખેતીકામ સંભાળતો હતો.  ખેડૂતના પત્ની બીમાર થતા, ખેડૂતના દિકરાએ પોતાના મામા મારફતે એક વેપારી પાસેથી રૃપિયા ૦૬ લાખ હાથ ઉછીના લીધા હતા. જેનું તેના મામા દ્વારા વેપારીને વ્યાજ આપવા જણાવતા, વ્યાજ દર મહિને આપવાનું ચાલુ કર્યું હતું. ખેડૂતના પત્નીની તબિયત વધારે ખરાબ થતા અને હોસ્પિટલમાં ખર્ચ વધતા, બીજા ૦૬ લાખ લીધા અને કર્જ ની રકમ ૧૨ લાખ થઈ ગઈ હતી. વેપારી સાથે પોતાનો મામો જ સંડોવાયેલ હોઈ, તેની નજર ખેડૂતની એટલે કે પોતાના બનેવીની જમીન ઉપર હતી અને વેપારી સાથે મળી, જમીન હડપ કરવાનો કારસો કર્યો હતો. ખેડૂત દ્વારા ૧૨ લાખ જેટલી માતબર રકમ લીધી હોવાથી બાનાખત કરી દીધું હતું. ખેડૂતની પત્નીની તબિયત વધુ બગડતાં સગા વ્હાલા પાસેથી પણ રૃપિયા ઉછીના લીધા હોઈ, ખેડૂતને પોતાની જમીન વહેંચવી પડી હતી અને એક બીજા ખેડૂતને જમીન વહેંચી દેવી પડી હતી. જમીન વહેંચ્યા બાદ ખેડૂતના સગા સાળા તથા વેપારી દ્વારા જેને જમીન વહેંચી હતી તેને જમીનમાં જવાની મનાઈ કરી હતી અને પોતાને વ્યાજ સહિત ૩૦ લાખ રૃપિયા લેવાના હોવાની વાત કરી, ખેડૂતને ધમકીઓ આપવાનું ચાલુ કરેલ હતું.

ખેડૂત અને તેનો દીકરો જો ૩૦ લાખ તેના મામા અને વેપારીને આપે તો, બીજા સગા સંબંધી લેણીયાત ને શું આપવું...? પોતે શું ખાવું...? એવા વિચારો આવવા લાગ્યા હતા અને ખેડૂતની પત્નીની તબિયત પણ સારી ના રહેતી હોય, તેમાં પણ ખર્ચ થવાની શક્યતા હોવાથી, ખેડૂતનો આખો પરિવાર મૂંઝાયો હતો અને ખેડૂત પોતાના દીકરા, પત્ની બાળકો સાથે જૂનાગઢ ડીવાયએસપી કચેરી આવી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ને મળી, સમગ્ર હકીકત જણાવેલ હતી.

 ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.બી.કોળી, સ્ટાફના હે.કો. જયેશભાઇ ભેડા, સંજયસિંહ ઝાલા, સહિતની ટીમ સાથે સંકલન કરીને અરજદાર ખેડૂત પરિવારને કેશોદ પોલીસ સ્ટેશન મોકલી, સામાવાળા ખેડૂતના સાળા, વ્યાજે રૃપિયા આપનાર વેપારીને બોલાવી,  વ્યાજ જોઈએ કે જેલ...? એવું સમજાવતા, માત્ર બાકી રહેતા રૃપિયા આપી, લખાણ પણ કરી આપ્યું હતું. ખેડૂતના આખા પરિવાર દ્વારા પોતાની કફોડી પરિસ્થિતિમાં મદદ કરવા બદલ જૂનાગઢ કેશોદ પોલીસનો આભાર વ્યકત કરી,  ગળગળા થઈ ગયા હતા. પોલીસે પણ પોતાની ફરજ ગણાવી, હવે પછી તકેદારી રાખવા પરિવારને વિનંતી કરવામાં આવી હતી.

(2:40 pm IST)