Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જુનાગઢમાં વૃધ્ધાશ્રમમાં ભોજન કરાવીને સુભાષભાઇ પાણીપુરીવાળાએ જન્મદિન ઉજવ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૬ : જૂનાગઢના એક અદના માનવીએ તેમના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી ને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બનેલ છે. શ્રી સુભાષચંદ્ર મગનલાલ વસવેલીયા જૂનાગઢમાં દીવાન ચોકમાં સુભાષ પાણીપૂરી નો નાનાપાયે વ્યવસાય ચલાવે છે તે પ્રતિવર્ષ તેમના જન્મદિવસની ઊજવણી કરે છે. તા.૧૫ જૂન ના રોજ તેમનો ૭૦મો જન્મદિવસ હતો. શ્રીસુભાષભાઈએ તેમના જન્મદિવસની ઉજવણી મહાનગરપાલિકા સંચાલિત વૃદ્ધાશ્રમમાં ભોજન સમારંભ યોજવા નક્કી કર્યું.

આપણા સમાજની વિટંબણા એ છે કે, સયુંકત કુટુંબ પ્રથા ઝડપભેર તૂટી રહી છે. કુટુંબોમાં વૃદ્ધોની હાલત દયાજનક બની રહી છે. સમાજમાં વૃદ્ધોની અવગણના અને અપમાન કરવાની જાણે ફેશન થઈ ગઈ છે. સમાજ વડીલ પ્રત્યે ફરજ ચુકતા નવા વૃદ્ધાશ્રમો બની રહ્યા છે. વડીલોને લાગણી,પ્રેમ અને હૂંફ ની જરૃર છે.ત્યારે સુભાષભાઈએ વડીલો પ્રત્યે માન સદભાવ વ્યકત કરવા અને પોતાના આનંદમાં સહભાગી બનવા પોતાનો જન્મદિવસ વૃદ્ધાશ્રમમાં ભોજન સમારંભ યોજી ઉજવ્યો. પોતાના પુત્રનો જન્મદિવસ હોય એ રીતે વૃદ્ધો આનંદિત થયા હતા.ખુબજ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.  આ પ્રસંગે શ્રીમતી ભારતી સુભાષ, સ્વાતિબેન, જયદેવ, ક્રિશિવ, નિરવભાઈ વસવેલીયા ઉપસ્થિત રહ્યા હતા.

(1:14 pm IST)