Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જુના પોલીસ કેસમાં સમાધાન મુદ્દે પાટડીના કઠાડા ગામે ૮ શખ્‍સોનો સશષા હુમલો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૬ : પાટડી તાલુકાના કઠાડા ગામ પાસે કારમાં આવેલા આઠ શખ્‍સો દ્વારા અન્‍ય કારમાં જતા લોકો ઉપર સશષા હુમલો કરીને ત્રણ વ્‍યક્‍તિને ઈજા કરી હતી. આ બનાવ દસાડા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જુના પોલીસ કેસમાં સમાધાન કરવા બાબતે આ ઝગડો થયો હોવાનું જાણવા મળે છે.

પાટડી તાલુકાના પાનવા ગામે રહેતા રૂપાભાઈ નારણભાઈ હાડઘેલાએ ચાર વર્ષ પહેલા ઝીંઝુવાડા પોલીસમાં તેમને માર મારીને લુંટી લેવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ હાલ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલે છે.બનાવના દિવસે રૂપાભાઈ તેમના ભત્રીજા અને અન્‍યો સાથે ધ્રાંગધ્રા કોર્ટમાં મુદતે હાજરી આપીને પોતાની  કારમાં પરત આવતા હતા ત્‍યારે કઠાડા ગામ પાસે કારે તેમની કારને આગળ-પાછળ ટક્કર મારી હતી. તેમજ બન્ને કારમાંથી ઉતરેલા શખ્‍સોએ ધારીયા,છરી,ટોમી, પાઈપ, લાકડી જેવા સાધનોથી રૂપાભાઈ અને અન્‍યો ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ કરેલ હતી. રૂપાભાઈએ કોર્ટ કેસમાં સમાધાન કરવાની ના પાડતા આ હુમલો થયો હતો. જેમાં રૂપાભાઈ તેમના ભત્રીજા હિરાભાઈ ઉર્ફે લાલાભાઈ તથા વિષ્‍ણુભાઈને ગંભીર ઈજાઓ થતા દસાડા સરકારી દવાખાને પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે વિરમગામ શિવ હોસ્‍પીટલમાં દાખલ કર્યો છે. આ બનાવમાં રૂપાભાઈએ ઝીંઝુવાડા ગામના જાલમસિંહ ઝાલા, જયપાલસિંહ પ્રવિણભાઈ, નવુભા દલપતસિંહ, ઝેણુભા કુબેરસિંહ, શૈલેન્‍દ્રસિંહ ઝેણુભા, યુવરાજસિંહ કુંદનસિંહ, યોગેન્‍દ્રસિંહ મેઘરાજસિંહ અને જાડીયાણાના ભોજાભાઈ ભુરાભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે  તપાસ હાથ ધરી હતી.

(1:18 pm IST)