Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલિસ પરેડ ગ્રાઉન્ડ, ખંભાળિયા ખાતે યોજાશે

 દેવભૂમિ દ્વારકા:દર વર્ષે ૨૧ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વ ભરમાં ઉજવણી કરવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૧મી જૂન ૨૦૨૨ના રોજ દેશભરના ૭૫ સ્થળો ઉજવણી માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં  દેવભૂમિ દ્વારકા જિલ્લાના શીવરાજપુર બીચ, દ્વારકા અને નાગેશ્વરમાં માનવતા માટે યોગાની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

 યોગ દિવસની ઉજવણીની તૈયારીના ભાગરુપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલિસ પરેડ ગ્રાઉન્ડ, જામખંભાળિયા ખાતે યોજાશે તેમજ તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં ખંભાળિયા તાલુકાનો આર.એન.વારોતરિયા વિધ્યાલય, દ્વારકા તાલુકાનો શીવરાજપુર બીચ, કલ્યાણપુર તાલુકાનો સરકારી વિનયન કોલેજ અને ભાણવડ તાલુકાનો ટાઉનહોલ ખાતે યોજાશે.   

 બેઠકમાં કલેક્ટરએ જણાવ્યુ કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૧મી જૂન ૨૦૨૨ના રોજ સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારત સરકારશ્રી તેમજ રાજ્ય સરકારશ્રી દ્વારા માનવતા માટે યોગાની થીમ સાથે ૨૧મી જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય, વોર્ડ, શાળા, કોલેજ સહિતના સ્થળો પર યોગ દિવસના કાર્યક્રમો યોજાશે. તેમજ બહોળી સંખ્યામાં લોકો યોગ દિવસમાં જોડાય અને શરીરને તંદુરસ્ત રાખવા માટે દરરોજ યોગ કરતા રહે તેમ અનુરોધ કર્યો હતો. 

 બેઠકમાં જિલ્લા વિકાસ અધીકારી ડી.જે.જાડેજા, નિવાસી અધીક કલેક્ટર કે.એમ.જાની, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નીયામક ભાવેશ ખેર, પ્રાંત અધિકારી- જામ ખંભાળીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:10 pm IST)