Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ભુજવાસીઓને જળકુંભી મુકત દેશલસર તળાવનું બ્યુટીફિકેશન કરીને અપાશે અમુલ્ય ભેટ- વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય

દેશલસર તળાવની રૂબરૂ મુલાકાત લઇને ખાણેત્રાના કામની વિધાનસભા અધ્યક્ષાએ કરી સમીક્ષા :ચોમાસા પૂર્વે કામ પુર્ણ કરી ટુંકસમયમાં સવા કરોડના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશન કરાશે - નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર

ભુજ : ઐતિહાસિક દેશલસર તળાવ ભુજની શાન છે . ભુજ સુધરાઇના પ્રયાસથી તળાવને ગટરના પાણી અને જળકુંભીથી મુકત કર્યા બાદ હાલ તળાવમાંથી સમગ્ર કાદવ કાઢીને ખાણેત્રું કરવામાં આવી રહ્યું છે. જેથી આ ચોમાસામાં તળાવમાં સ્વચ્છ પાણીની આવક થશે . ભવિષ્યમાં તળાવનું બ્યુટીફિકેશન કરીને શહેરીજનોને અમુલ્ય ભેટ આપવામાં આવશે તેવું દેશલસર તળાવની મુલાકાત સમયે ખાણેત્રાની કામગીરીની સમીક્ષા કરતા વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન જણાવ્યું હતું.

 ભુજવાસીઓની હર હંમેશ ચિંતા કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે તળાવની રૂબરૂ મુલાકાત લઇને સુધરાઇ દ્વારા ચાલતા તળાવના ખાણેત્રાના કામનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે નગરપતિ  ઘનશ્યામભાઇ ઠક્કર પાસેથી ખાણેત્રાના કામને લઇને અન્ય વિગતો પણ મેળવી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, તળાવમાં લાંબાસમયથી ગટરના પાણીની આવક હોવાથી જળકુંભી ઉગી નીકળી હતી. જેને કાઢવા માટે પહેલા પાણી કાઢવું પડે તેમ હતું. આ માટે સુધરાઇએ ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમક્ષ રજુઆત કરીને ટેકનીકલ અભિપ્રાય લેતા ડિ-વોટરીંગ મશીનથી આ કામ થઇ શકે તેમ હતું પરંતુ તેઓ દ્વારા રૂ. ૩૩ લાખનો ખર્ચ ભાડા પેટે થશે તેવું જણાવતા નગર પ્રમુખ દ્વારા મારા સમક્ષ આટલો ખર્ચ કરવાની સુધરાઇની ક્ષમતા ન હોવાનું જણાવીને આ કાર્યમાં મદદરૂપ બનવા માંગણી કરાઇ હતી. જેથી આ બાબતે મધ્યસ્થી કરીને મશીનભાડુ માફ કરાવીને અંતે માત્ર રૂ. ૫ લાખના ખર્ચમાં સમગ્ર કામ કરવાના એમઓયુ કરાવ્યા હતા. જે બાદ હાલ સમગ્ર તળાવ જળકુંભી અને ગટરના પાણીથી મુકત થઇ ગયું છે. ભવિષ્યમાં ગટરના પાણી ન આવે તે માટે તળાવની આસપાસની વસાહતોના ગેરકાયદે કનેકશન કાપી નાખવામાં આવ્યા છે. તથા તેઓને કાયદેસર કનેકશન આપવામાં આવશે. જેથી આ ચોમાસામાં આખરે તળાવ સ્વચ્છ પાણીથી છલોછલ ભરાશે, જે સમગ્ર ભુજવાસીઓની આંખને ઠારે તેવું દશ્ય બનશે. ટુંક સમયમાં ભુજવાસીઓ માટે તળાવની આસપાસ હમીરસર તળાવની જેમ બ્યુટીફિકેશનનું કામ કરાશે જે શહેર માટે નવલું નજરાણું બની રહેશે. તેમણે તળાવની સફાઇનું અશકય કામ કરાવનારા સુધરાઇના પ્રમુખને અભિનંદન આપીને વોર્ડ નં.૩ના નગરસેવકોની મહેનતને બિરદાવી હતી.        

આ પ્રસંગે નગરપતિ  ઘનશ્યામભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, તળાવમાંથી સમગ્ર પાણી બહાર કાઢી લેવાયું છે તથા જળકુંભી કાઢીને હાલે તળાવમાંથી જુનો કાદવ દુર કરવાની કામગીરી કરીને સાથે ખાણેત્રુ કરાઇ રહ્યું છે. રોજ ૧૩૦ ખાણેત્રાની ગાડી ભરાઇ રહી છે, ચોમાસા પુર્વે સમગ્ર કામ પુર્ણ કરી લેવાશે. ઇપીઆઇ સંસ્થાની મદદથી આ સમગ્ર કામ કરવામાં સફળતા મળી છે. આગામી સમયમાં અમૃતમ યોજના-૨ હેઠળ સવા કરોડના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવનાર છે. જે હેઠળ દેશલસર લેક રીસ્ટોરેશન પ્રોજેકટ તૈયાર થઈ ગયો છે.  આ સાથે જ તળાવમાં ગટરના પાણી ફરી ન આવે તે માટે લોકોને નોટીસ આપીને કાયદેસર કનેકશન લઇ લેવા અપીલ કરી છે.

આ પ્રસંગે નગરસેવકો ઘનશ્યામભાઇ સી.ઠક્કર, કાસમભાઇ કુંભાર, કિરણભાઇ ઘોરી, સિદિકભાઇ સમા, રીટાબેન બાંડેલ(ભીલ) , શેરબાનુ સીદિક સમા તથા પુર્વ નગરપતિ ભરતભાઇ રાણા હાજર રહ્યા હતા.

(10:46 pm IST)