Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મોરબી વ્યાજખોરો ત્રાસ વધ્યો; યુવક પાસે છરીની અણીએ ખોટા સોગંધનામા કરાવ્યા.

પીડિત યુવકે મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં 5 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ;પોલીસે 4ની ધરપકડ કરી

મોરબીમાં વ્યાજખોરો લૂંટારુ બન્યા હોય અને ખુદ પોલીસને પડકાર ફેંકતા હોય તેમ વ્યાજની મોટી રકમ ચૂકવ્યા બાદ પણ યુવક પાસે છરીની અણીએ ખોટા સોગંધનામા કરાવ્યા હતા અને પરિવારને જાનથી પતાવી દેવાની ધમકી પણ વ્યાજખોરોએ આપી હતી. જેથી સમગ્ર મામલે પીડિત યુવકે મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં 5 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે પોલીસે 4ની ધરપકડ કરી છે.
જેમાં ફરિયાદી મયુરભાઇ કાનજીભાઇ ભીમાણીએ વ્યાજખોર નિર્મળભાઈ પીઠમલ બોરીચા, પ્રકાશભાઈ પીઠમલ બોરીચા, કાનજીભાઈ ઉર્ફે કાનો વીરડા , અતુલભાઈ બાળા અને જતીનભાઈ આહીર સામે ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તા.૩૦/૦૭/૨૦૨૧ના રોજ આરોપીઓ પાસેથી મયુરભાઇએ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધા હતા. જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે પણ કરી આપ્યું હતું. છતા આરોપીઓએ મયુરભાઇ પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી પઠાણી ઉઘરાણી કરી સતામણી કરી અપશબ્દો બોલી મયુરભાઇને તથા તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.એટલું જ નહીં બળજબરીથી નાણા કઢાવી લઇ તેમજ છરી બતાવીને હાથ ઉછીના નાણા આપેલના ખોટા સોગધનામા કરાવી લઇ મયુરભાઇના જીવને ભયમા મુકી તેમના આઇ.ડી.બી.આઇ બેંકના કોરા ચેકો બળજબરીથી પડાવી લીધા હતા. તેમજ વ્યાજખોરોએ ૩૦% અને ૧૦ % વ્યાજે પૈસા આપેલ હોવાની માહિતી મળી હતી
આ મુદ્દે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇપીસી કલમ ૩૮૪, ૩૮૬, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ- ૨૦૧૧ ની કલમ-૪૦, ૪૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને 4 ઈસમોની ધરપકડ કરી છે.  હાલ આરોપી જતીનભાઈ આહીરને કાયદાના સકંજામાં લેવા પોલીસ સઘન કામગીરી કરી રહી છે.

(10:58 pm IST)