Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

નવા સૂરજ દેવળ મંદિરના શિખરની ધ્વજા ઉપર સંધ્યા આરતી સમયે મોરનો કેકારવ

આરતી પુર્ણ થયા બાદ ઉડીને ચાલ્યો જાય છેઃ દરરોજ અદભુત ઘટના નિહાળી ભાવિકો રોમાંચિત

સુરજ દેવળના મંદિરમાં સંધ્યા આરતી સમયે શિખરની ધજા ઉપર મોરનું આગમન (તસવીરઃ હેમલ શાહ)

ચોટીલા, તા.૧૬: ચોટીલા પંથકની પાવન ભૂમિ પંચાળ તરીકે સુપ્રસિદ્ઘ છે. આ ભૂમિ ઉપર હજજારો વર્ષ પૌરાણિક પ્રાચિન વિવિધ દેવી દેવતાઓના મંદિરો, શિવાલયો, ગુફાઓ, કલાત્મક કોતરણીથી સુશોભિત વાવથી આ પંથક રળિયામણો ભાસતો હોય છે ત્યારે ચોટીલા પંથકના નવા સૂરજ દેવળ મંદિરમાં ઘણા જ મહીનાઓથી સંધ્યા આરતી સમયે શિખર ઉપર લહેરાતી ધ્વજાની ટોચ ઉપર એક મોરની હાજરીથી ભાવિકો રોમાંચિત બની આ ઘટના નિહાળી રહ્યાં છે.

ચોટીલાની પંચાળ ભૂમિ ઉપર કાઠી દરબારોના આરાધ્યદેવ ભગવાન સૂર્ય નારાયણનું મંદિર આવેલ છે. આ નવા સુરજ દેવળ મંદિરમાં ભગવાન સૂર્ય દેવ તથા માતા રાંદલની સાત અશ્વો ઉપર બીરાજમાન થયેલ સુંદર મૂર્તિના દર્શને સમગ્ર કાઠી સમાજ સહિત અન્ય જ્ઞાતિ ના દર્શનાર્થીઓ પણ આવતાં હોય છે.

મંદિરમાં આવનાર અતિથીઓને દરરોજ ભોજન પ્રસાદ પણ આપવામાં આવે છે. મંદિરમાં સવાર સાંજ આરતી સમયે અનેક ભાવિકો ઉમટી પડતાં હોય છે.

ત્યારે છેલ્લાં ઘણાં સમયથી આ નવા સૂરજ દેવળ મંદિર માં સંધ્યા આરતી સમયે એક મોર મંદિર ના શિખર ઉપર લહેરાતી ધ્વજાના દંડ ઉપર આવીને અચુક બેસી જાય છે અને આરતી પુર્ણ થતાં જ આ મોર ઉડીને ચાલ્યો જાય છે.

ઘણાં જ મહીનાઓ થી આ ઘટના ઘટી રહી છે અને રોજ બરાબર સંધ્યા આરતી સમયે શિખરના ધ્વજા દંડ ઉપર આવીને મીઠો કેકારવ કરતા આ મોરને નિહાળી આ દ્રશ્ય જોનાર ભાવિક નું મસ્તક આપોઆપ ભગવાન સૂર્ય નારાયણ સમક્ષ ભાવ અને શ્રધ્ધાથી ઝુકી જાય છે. અચરજ ની બાબત તો એ છે કે દરરોજ અચુક સંધ્યા આરતી સમયે જ આ મોર નું આગમન થાય છે અને આરતી પુર્ણ થયા બાદ મોર ઉડી જાય છે. આ રૂડું અને ધાર્મિક સભર દ્રષ્ય જોનાર ભાવિકો આ દ્યટના ને નિહાળી અચંબિત બની જાય છે.

(10:19 am IST)