Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

દ્વારકા જગત મંદિરે જન્માષ્ટમી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ

જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ જન્માષ્ટમી મહોત્સવની તૈયારીઓ નિહાળી : દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક મળી

 દેવભૂમિ દ્વારકા: દ્વારકા ખાતે ૧૯ ઓગસ્ટના જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તૈયારીઓને નિહાળી હતી.
આ તકે જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે  બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય ત્યારે ટ્રાફિક સમસ્યાના સર્જાઈ, વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા, હેલ્પ ડેસ્ક ઉભા કરવા સહિતની બાબતો પર યોગ્ય ધ્યાન આપવા જણાવાયું હતું.
વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવનાર હોય ત્યારે નજીકના બીચ પર સેલ્ફી લેવા માટે લોકો દરિયા કિનારા નજીક જાય નહીં જેથી કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત રેસ્ક્યુ ટીમ રાખવા અંગે પણ જણાવ્યું હતું.
આ ઉપરાંત લોકો કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા લોકોને અપીલ કરી છે. તેમજ હોટેલ એસોસિએશન દ્વારા યાત્રિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.
આ બેઠકમાં દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, એસપી નિતેશ પાંડે, અધિક નિવાસી કલેકટર કે.એમ.જાની, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ડીવાયએસપી ચૌધરી,ડીવાયએસપી સારડા સહિતના અધિકારીઓ, તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:22 pm IST)