Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

શિક્ષકનું કામ શિક્ષણ આપવાનું નહીં, કેળવણી આપવાનું છેઃ ભદ્રાયુ વછરાજાની

શિહોર તાલુકાનાં વળાવડની કન્‍યા વિદ્યાલયમાં વાર્ષિકોત્‍સવ અને વાલી સંમેલન સંપન્‍ન

(મુકેશ પંડિત દ્વારા) ઇશ્વરીયા,તા. ૧૬ : શ્રી લોકસેવા સંસ્‍થા સંચાલિત શ્રી કન્‍યા વિદ્યાલય વળાવડ ખાતે ૨૨મો વાર્ષિકોત્‍સવ યોજાયો જેના અઘ્‍યક્ષસ્‍થાને જાણિતા શિક્ષણવિદ્‌ ચિંતક શ્રી ભદ્રાયુ વછરાજાનીએ અહીંની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ થયેલ સાંસ્‍કૃતિક કૃતિઓ અને શિક્ષણ સાથે રમતગમત વગેરે પ્રવૃત્તિઓમાં મેળવેલ સિદ્ધિઓને બિરદાવી કહ્યું કે, શિક્ષકનું કામ શિક્ષણ આપવાનું નહિ, કેળવણી આપવાનું છે, જે અહીંયા થઈ રહ્યાની ખુશી છે. તેઓએ સમાજની શિક્ષક પાસેની કાયમી અપેક્ષા રહ્યાનું જણાવી કહ્યું કે, શિક્ષક વર્ગમાં કે બહાર શિક્ષક જ રહે છે.

સંસ્‍થાના વડા શ્રી મેહુરભાઈ લવતુકાએ આ સંસ્‍થાના પ્રારંભમાં થયેલ કામગીરીનો ઉલ્લેખ કરી ગૌસેવાનું પુણ્‍યફળ અને દાતાઓ શ્રી ભૂધરદાદા પરિવારનું સ્‍મરણ કરી અહી અભ્‍યાસ કરતી દીકરીઓનું સર્વાંગી ઘડતર થઈ થયાનું કહ્યું હતું. રંઘોળા શ્રી ભવનાથ મહાદેવના મહંત શ્રી દલપતગિરિ મહારાજે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

અહીંયા સાંસદ કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના અનુદાન તથા જેમ્‍સવોકર ઈન્‍માર્કો પેઢી દ્વારા નિર્મિત ખંડોનું મહેમાનોના હસ્‍તે ઉદ્‌ઘાટન કરાયું હતું.

આ સમારંભમાં પ્રારંભે સંસ્‍થાના આચાર્ય અમીનભાઈ ચૌહાણે સ્‍વાગત ઉદબોધન સાથે કન્‍યા કેળવણી પર ભાર મૂક્‍યો હતો. શ્રી અશોકભાઈ ઉલ્‍વાએ આ સંસ્‍થાની શિક્ષણ પ્રવૃત્તિ વિશે  વાત કરી હતી.

શ્રી કન્‍યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ નિયત શિક્ષણ ઉપરાંત સાંસ્‍કૃતિક, રમત ગમત ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓને સન્‍માનિત કરાઇ હતી.

આભારવિધિ અમિતભાઈ લવતુકાએ  સંચાલન અનિતાબેન ઉમરાળિયાએ કર્યું હતું. પોલીસ અધિકારી શ્રી ધ્રાંગુ, અગ્રણીઓ પ્રવીણભાઈ રાઠોડ,વલ્લભભાઈ કટારિયા સાથે કાર્યકરો અને વાલીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

(11:38 am IST)