Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

કોડીનાર-૩, માણાવદર પોણા ૨, શિહોરમાં ૨ ઇંચ વરસાદ

જુનાગઢ - વંથલી - કાલાવડમાં દોઢ, ઉમરાળામાં ૧ ઇંચ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મેઘાવી માહોલ સાથે હળવો - ભારે વરસાદ

રાજકોટ તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મેઘાવી માહોલ સાથે હળવો - ભારે વરસાદ વરસી જાય છે. આજે સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં કોડીનારમાં ૩ ઇંચ, માણાવદરમાં પોણા બે ઇંચ અને શિહોરમાં ૨ ઇંચ વરસાદ પડયો છે.
જ્‍યારે જૂનાગઢ, વંથલી, કાલાવડમાં દોઢ ઇંચ, ઉમરાળામાં ૧ ઇંચ વરસાદ પડયો છે.
કોડીનાર
(અશોક પાઠક દ્વારા) કોડીનાર :
કોડીનાર વિસ્‍તારમાં ગઈ અસાઢી બીજથી વરસાદની શરૂ આત થી આજ સુધી વરસાદ સતત વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે સતત વરસાદના કારણે પોતની મોલાતનું શુ થશે ?
કોડીનારમાં ગઈ કાલના સવાર આઠ વાગ્‍યાથી આજ સવાર આઠ વાગ્‍યા સુધીમાં કુલ ૭૩. મી. મી (ત્રણ ઈંચ )સાથે મોસમનો કુલ ૧૨૭૫ મી.મી. (૫૧. ઈંચ )વરસાદ વરસી ગયો છે. આમ જોઈએ તો હવે કોડીનારમાં વરસાદનો કોટો પૂરો થઈ ગયો કહેવાય. સિંગોડા ડેમ સાઈડ ઉપર પણ સતત વરસાદના કારણે ડેમ કે જે ઓગસ્‍ટ માસનું પાણીનું લેવલ રાખવાનું હોય તેનાથી વધારાનું પાણી નદીમાં છોડાઇ રહ્યું છે.
જુનાગઢ
(વિનુ જોશી) જૂનાગઢ : જુનાગઢ જિલ્લામાં સવાર સુધી ધીમી ધારે મેઘ મહેર ચાલુ રહેતા માણાવદરમાં પોણા બે ઇંચ તેમજ જૂનાગઢ - વંથલીમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
સમગ્ર જિલ્લામાં રાત્રીના પણ મેઘો વરસતા લોકોની ખુશીમાં વધારો થયો છે. જૂનાગઢ તેમજ તેના ગિરનાર તેમજ દાતાર પર્વત જંગલ વિસ્‍તારમાં રાતભર મેઘાએ મુકામ કર્યો હતો. જૂનાગઢમાં સવાર સુધીમાં ૩૫ મીમી વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ ૯૨.૪૮ ટકા થયો છે.
રાત્રીના પડેલા વરસાદથી જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં નવા નીર આવ્‍યા હતા અને શહેરની મધ્‍યમાં આવેલ નરસિંહ મહેતા તળાવ વહેલી સવારે ફરી ઓવરફલો થયું હતું. આ સાથે વિલીંગ્‍ડન તેમજ આણંદપુર ડેમ પણ ફરી છલોછલ થવા પામ્‍યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૪૦ મીમી એટલે કે પોણા બે ઇંચ વરસાદ માણાવદર પંથકમાં ખાબકયો હતો. આ સાથે માણાવદરનો સીઝનનો કુલ વરસાદ ૧૨૨.૫૩ ટકા ઉપર પહોંચી ગયો છે.
સવાર સુધીમાં કેશોદ ખાતે ૪ મીમી, ભેંસાણ-૧૪ મીમી, મેંદરડા ૧૩ મીમી, ુમાંગરોળ ૧૨ મીમી, માળીયાહાટીના ૧૨ મીમી, વંથલી ૩૯ મીમી તેમજ વિસાવદર ખાતે ૨૦ મીમી વરસાદ મળી જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન કુલ ૨૨૪ મીમી વરસાદ થયો હતો અને મોસમનો કુલ આંક ૯૩.૮૧ ટકા થવા પામેલ છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર જિલ્લાના કાલાવડમાં દોઢ ઇંચ તથા ધ્રોલ, જોડિયા, લાલપુરમાં અડધો ઇંચ તથા જામનગર અને જામજોધપુરમાં ઝાપટા પડયા છે.
ભાવનગર
(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :
ગોહિલવાડ પંથકમાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ પડયો છે. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ ફરી જામ્‍યો છે. સમગ્ર જિલ્લામાં ઝરમરથી લઇ હળવા-ભારે ઝાપટા અને અડધાથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો છે. જિલ્લાના સિહોરમાં બે ઈંચ વરસાદ વરસી ગયો છે.
આજે સવારે છ વાગ્‍યે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ૨૨ ઘોઘામાં ૧૪ મી.મી. ભાવનગર શહેરમાં ૧૯ મી.મી. સિહોરમાં ૪૫ મી.મી., ગારીયાધાર ૧ મી.મી. વલભીપુરમાં ૧૩ મી.મી. અને મહુવામાં પાંચ મીમી વરસાદ નોંધાયો છે
ન્‍યારી-૨ ડેમનાં ૨ દરવાજા ૦.૫ ફુટ ખોલાયાઃ હેઠવાસમાં આવેલા ગામોને સાવચેતી
રાજકોટ,તા.૧૬ :  રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલો ન્‍યારી-૨ ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઇ ગયેલ છે. હાલ ડેમમાં કુલ ૧૪ દરવાજા આવેલા છે. જેમાંથી ૨ દરવાજા ૦.૫ ફુટ ખોલાવામાં આવેલ છે. હાલ ૭૩૬ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યુ હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, મોટા રામપર, તરઘડી, વણપરી ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા સુચિત કરવામાં આવ્‍યુ છે.

 

(11:48 am IST)