Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પોરબંદરનું આઝાદીની લડતમાં અનેરુ યોગદાનઃ રાઘવજીભાઇ પટેલ

પોરબંદરમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ ૭૬માં સ્‍વાતંત્ર્ય દિને કૃષી મંત્રીના હસ્‍તે ત્રિરંગો લહેરાયોઃ જિલ્લામાં શ્રેષ્‍ઠ કામગીરી કરનારા કર્મચારીઓ તથા અધિકારીઓનું સન્‍માન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૬ :.. આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ૭૬માં સ્‍વતંત્રતા દિવસ ઉજવણી  પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે કરાઇ હતી. આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ કરી ૭૬માં વર્ષમાં પ્રવેશ કર્યો તે અવસરે મંત્રી રાઘવજીભાઇ પટેલે રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી. તેમજ જિલ્લા કલેકટર અશોક શર્મા તથા જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની સાથે ખુલ્લી જીપમાં માર્ચ પાસ્‍ટનું નિરીક્ષણ કર્યુ હતું.

ભારતના ૭૬માં સ્‍વતંત્રતા પર્વ નિમિતે મંત્રીશ્રીએ ઉદબોધન કરતા જણાવ્‍યું કે, આપણો દેશ આઝાદીનાં અમૃત  કાળ માંથી પસાર થઇ રહ્યો છે ત્‍યારે દેશની આઝાદી માટે  પોતાનું સર્વસ્‍વ ન્‍યોછાવર કરનાર વીર સપૂતોને યાદ કર્યા હતાં. આઝાદી લડતમાં ગુજરાત તથા પોરબંદરનું અનેરૂં યોગદાન રહ્યું છે તેમ જણાવ્‍યું હતું.

મંત્રી રાઘવજીભાઇએ જણાવ્‍યું કે, ગુજરાત ધરતી અનેક વીર સપૂતો આપ્‍યા છે તે પછી પૂજય મહાત્‍મા ગાંધીજી હોય કે સરદાર પટેલ, શ્‍યામજીકૃષ્‍ણ વર્મા હોય કે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી હોય, આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્‍ટિથી રાજય તથા દેશના ગ્રામજનો, વંચિતો, ખેડૂતો, મહિલાઓ તથા યુવાનો સૌ કોઇ વિકાસની મુખ્‍યાધારામાં આવ્‍યા છે. તેમજ વડાપ્રધાનશ્રીનાં ‘હર ઘર તિરંગા' અભિયાન ને સૌ નાગરિકો જન અભિયાન રૂપે ઉજવી રહ્યા છે જેનાથી સમગ્ર દેશમાં રાષ્‍ટ્રભાવના લહેર ઉઠી છે.

મંત્રી રાઘવજીભાઇ એ જણાવ્‍યું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના પરિણામલક્ષી માર્ગદર્શન હેઠળ ગુજરાતે કોરોના સામે જંગમાં વિજય મેળવ્‍યો છે. તેમજ દસ કરોડ નાગરિકોને વેકિસન આપી ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે.

આઝાદીનો આ અમૃત મહોત્‍સવ આપના સૌના નવા વિચારો, નવા સંકલ્‍પો દ્વારા વિકાસની એક નવી જયોત પ્રગટાવી છે.

પોરબંદર જિલ્લાના વિકાસ માટે મંત્રીશ્રી દ્વારા રૂા. રપ લાખની ગ્રાન્‍ટનો ચેક કલેકટરશ્રી અશોક શર્મા ને  અર્પણ કર્યો હતો. તેમજ જિલ્લાના વિવિધ કર્મચારીઓ તથા અધિકારીઓ શ્રેષ્‍ઠ કામગીરી કરી હોય તેઓને મહાનુભાવો હસ્‍તે પ્રમાણપત્ર આપી   સન્‍માનીત કરવામાં આવ્‍યા હતાં. કાર્યક્રમની પુર્ણાહૂતિ બાદ મંત્રીશ્રી તથા મહાનુભાવો હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.

સ્‍વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે પોરબંદરના ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજૂબેન કારાવદરા, જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણી, જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેકટર એમ. કે. જોષી સહિત જિલ્લાના વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતાં.

(12:08 pm IST)