Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

અંજાર પાસે દોઢ કરોડના પિસ્તાની લુંટમાં ૫ પોલીસ કર્મીઓની સંડોવણી

મુન્દ્રાના મુખ્ય સૂત્રધાર સહિત ૯ આરોપી : અંજારની પોલીસ ટીમ દારૂની કટીંગ પકડવાની બાતમી સાથે ગઇ અને લૂંટનું સેટીંગ કર્યું : પાંચેય પોલીસ કર્મી ફરાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : તાજેતરમા જ અંજાર ગાંધીધામ નેશનલ હાઇવે ઉપર મુન્દ્રા પોર્ટથી નવી મુંબઈ વાશી જઈ રહેલ દોઢ કરોડ રુ.ના ૨૫ હજાર કિલો પિસ્તાની સનસનીખેજ લુંટનો ભેદ પૂર્વ કચ્છ પોલીસે ઉકેલી લીધો છે. જોકે, આ બનાવમાં ચોકાવનારી હકીકતો ખુલી છે. પૂર્વ કચ્છ ડીવાયએસપી ડી.એસ. વાઘેલાએ આપેલી માહિતી અનુસાર એક સગીર, આઠ આરોપી અને પાંચ પોલીસ કર્મીઓની સંડોવણી ખુલી છે.

 

એક સગીર આરોપી ઝડપાઇ ગયા બાદ પોલીસે મુખ્ય ભેજાબાજ એવા મુન્દ્રાના ટ્રાન્સપોર્ટર રિકિરાજિસંહ રણધીરસિંહ સિંધલ (સોઢા)ની ધરપકડ કરી છે. લુંટ ચલાવ્યા બાદ પિસ્તાનો જથ્થો બે ટ્રકમાં ચડાવી ડીસા મધ્યે કોલ્ડ સ્ટોરેજમાં છુપાવી દેવાયો હતો. લૂંટાયેલ કન્ટેનર ટ્રેલર રેઢું છોડી દેવાયું હતું, જે લુંટ બાદ મળી આવ્યું હતું.

જોકે, લુંટની પુછપરછ દરમ્યાન એ ધ્યાને આવ્યું હતું કે, અંજાર પોલીસ મથકના પાંચ કર્મીઓ દારુનુ કટીંગ થઈ રહ્યુ છે, એવી બાતમી સાથે ત્યાં પહોંચ્યા હતા, પણ તેમને લુંટ કરનાર મુખ્ય આરોપીઓએ સમજાવટ કરી પતાવટ કરી દીધી હતી. જોકે, ડીવાયએસપી વાઘેલાએ જણાવ્યુ હતું કે, આ પાંચ પોલીસ કર્મીઓએ પોલીસને તેમ જ તપાસનીશ અધિકારીને આટલી મોટી લુંટના બનાવ અંગે જાણ પણ નહોતી કરી.

પોલીસે આ પાંચેય પોલીસ કર્મીઓ જયુભા જાડેજા, વનરાજસિંહ દેઓલ, અનિલ ચૌધરી, દિલીપ ચૌધરી અને મુખ્ય ભુમિકા ભજવનાર.એની પોલીસ કર્મી વિશ્વજીતસિંહ જાડેજા વિરુદ્ઘ ગુનો નોધ્યો છે. અત્યારે પાંચેય પોલીસ કર્મીઓ ફોન બંધ કરી ફરાર થઈ ગયા છે. પોલીસે મુખ્ય લુંટારૂઓ પૈકી અન્ય નાસી છુટેલા ૮ આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે. પોલીસે ૧.૩૩ કરોડના પિસ્તા, એક કાર કબ્જે કરી બાકીનો મુદ્દામાલ કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

(10:20 am IST)