Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ભારે વરસાદથી તારાજી : જામનગર-કાલાવડ હાઈ-વે છેલ્લા બે દિવસથી બંધ: હાઈ-વે પર મોટા મોટા ગાબડાં

હાઈ-વેને ફરીથી કાર્યરત કરવા માટે નેશનલ હાઈ-વે ઓથોરિટીએ હાઈ-વેને રિપેર કરવાનું કામ શરૂ કરી દીધું

જામનગરમાં વરસાદે મચાવેલી તબાહીને કારણે અન્ય ગામો અને શહેરોને જામનગર સાથે જોડતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે.આવો જ એક જામનગર-કાલાવડ હાઈ-વે પણ છેલ્લા બે દિવસથી બંધ છે. વરસાદને કારણે હાઈ-વે પર મોટા મોટા ગાબડાં પડી ગયા હોવાથી રસ્તા ઉપરથી માત્ર નાના વાહનો જ નીકળી શકે છે. મોટા વાહનોને હાઈ-વે પર ચાલવાનો પ્રતિબંધ છે, જેને કારણે અનેક મુસાફરોને હાલાકી પડી રહી છે.જોકે ખરાબ થયેલા હાઈ-વેને ફરીથી કાર્યરત કરવા માટે નેશનલ હાઈ-વે ઓથોરિટીએ હાઈ-વેને રિપેર કરવાનું કામ શરૂ કરી દીધું છે. હાઈ-વે ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યા મુજબ હાઈ-વે સાંજથી ફરી રાબેતા મુજબ કાર્યરત થઈ જશે.

જામનગરમાં પૂરના પાણી તો ઓસરી રહ્યા છે, પરંતુ હાલાકી ઓસરવાનું નામ નથી લઇ રહી છે.જેમ જેમ પૂરના પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ તારાજીના વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.જિલ્લાના અનેક ગામોમાં પૂરના પાણી, સર્વસ્વ તાણીને લઇ ગયા…ક્યાંક ઘર,, તો ક્યાંક ઘરવખરી.બધુ જ પાણીમાં તણાઇ ગયું.અનેક પરિવારોના માથેથી આશરો છીનવાયો છે, તો ખેતરોમાં ઉભો પાક નષ્ટ બન્યો છે.

અનેક રસ્તાઓ અને પુલ ધોવાઇ ગયા છે.તો હવે જીંદગીની ગાડી ક્યારે પાટા પર આવશે તે સવાલ જિલ્લાના ગ્રામજનોની ચિંતા વધારી રહ્યો છે…જોકે સરકાર ભલે સર્વે દ્વારા સહાયની વાત કરે,પરંતુ હકિકત એ પણ છે કે અહીં હજુ સુધી સર્વે માટે કોઇ જ ટીમ પહોંચી નથી…ગ્રામજનો માગ કરી રહ્યા છે કે સરકાર વહેલી તકે સર્વે કરાવીને સહાય કરે

(11:29 pm IST)