Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મોરબીનુ રૂ.૫.૪૩ કરોડના ખર્ચે બનશે સુવિધાયુક્ત અદ્યતન એસ. ટી. સ્ટેન્ડ.

હાલ જર્જરિત નવા બસ સ્ટેન્ડના બિલ્ડીંગને તોડી પાડી નવેસરથી બે માળના બિલ્ડીંગને બનાવવાની કવાયત: નવા બસ સ્ટેન્ડમાં ૧૫ પ્લેટફોર્મ, ૨૫ શોપ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટિંગ હોલ, કેન્ટીન સહિતની મોટાભાગની સુવિધાઓ હશે

મોરબીનું નવુ બસ સ્ટેન્ડ હવે આગામી સમયમાં અદ્યતન આધુનિક સુવિધાઓ સાથે નવા રંગ-રૂપમાં જોવા મળશે. સરકારે મંજૂરી આપ્યા બાદ હવે રૂ.૫. ૪૩ કરોડના ખર્ચે મોરબીના નવા બસ સ્ટેન્ડનું નવ નિર્માણનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. હાલ જર્જરિત નવા બસ સ્ટેન્ડના બિલ્ડીંગને તોડી પાડી નવેસરથી બે માળના બિલ્ડીંગને બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ નવા બસ સ્ટેન્ડમાં ૧૫ પ્લેટફોર્મ, ૨૫ શોપ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, કેન્ટીન સહિતની મોટાભાગની સુવિધાઓ હશે.

મોરબી ડેપો હસ્તકની હાલ ૫૫ જેટલી એસટી બસ છે. જેમાંથી સૌથી વધુ બસ રાજકોટ, જામનગર અને દાહોદ રૂટ ઉપર દોડે છે. મોરબીથી રાજકોટની લોકલ અને ઇન્ટરસીટી મળીને ૧૦૮ બસ, જામનગરની ૨૦ અને દાહોદની ૪૦ બસો અવરજવર કરે છે. દરરોજના આશરે ૩૦૦ જેટલી ટ્રીપમાં ૨ હજાર જેટલા મુસાફરો લાભ લે છે. આ બસ સ્ટેન્ડ બે વર્ષમાં નવું તૈયાર થઈ જશે અને આ બસ સ્ટેન્ડમાં ૧૫ પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઇટિંગ રૂમ, રિઝર્વેશન રૂમ, સ્ટુન્ડ પાસની અલગ વ્યવસ્થા, ડેપો મેનેજરનો રૂમ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઈન્ચાર્જ રૂમ, એડમીન ઓફીસ, વી.આઇ.પી. વેઈટીંગ લોન્જ, વોટર રૂમ, કેન્ટીન, લેડીઝ રેસ્ટ રૂમ, પાર્કિગ, શૌચાલય, ગેરેજ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
મોરબીનું નવું બસ સ્ટેન્ડ ઘણા સમયથી જર્જરિત હોવાથી જોખમી બની ગયું હતું. આથી અગાઉ રાજ્ય સરકારે મોરબીના નવા બસ સ્ટેન્ડને નવેસરથી નવું બનાવવાની જાહેરાત કરી હતી અને નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે ગ્રાન્ટ પણ મંજૂર કરી દીધી હતી. આથી થોડા સમય પહેલા આ નવા બસ સ્ટેન્ડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું અને હવે નવું બસ બસ સ્ટેન્ડ બનાવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં બસ સ્ટેન્ડના બિલ્ડીંગને તોડી પાડવામાં આવ્યું છે. આ નવું બસ સ્ટેન્ડ નવી ડિઝાઇનમાં બે માળનું બિલ્ડીંગ બનશે. મોરબીની ઐતિહાસિક ઇમારતોને અનુરૂપ જ આ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવશે

(9:36 am IST)